ગાંધીનગરઃ રાજ્યભરમાં જૈન લોકો દ્વારા પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના વતની અને બાવન વર્ષીય એક પાટીદાર પણ ગાંધીનગરના દેરાસરમાં અઠ્ઠઈ તપ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના જકાસણા ગામના વતની પ્રકાશભાઈ પટેલ ઘણા વર્ષોથી શિકાગોમાં સ્થાયી થયા છે. તેમને પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે. પ્રકાશભાઈને વર્ષોથી અનેક વ્યસન હતા જે તેમના છૂટતા ન હતા. પરંતુ પ્રકાશભાઈ ભોંયણી પાસેના પદ્માવતીનગર ખાતેના પદ્માવતી માતાજીનું મંદિરે તેમના ગુરુ ઈન્દ્રવિજયસેનજી મહારાજ (માલેગાંવ)ને મળ્યા પછી તેમના મનને શાંતિની અનુભૂતિ થઈ. ગુરુના મળવાથી તેમનામાં તપસ્વીપણું બહાર આવ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેમણે પોતાના વ્યસનનો ત્યાગ કર્યો છે. શિકાગોથી પ્રકાશભાઈ ૧ સપ્ટેમ્બરે ગાંધીનગર આવ્યા છે. જૈન દેરાસર ખાતે બિરાજમાન આચાર્ય અરુણોદયસાગર મહારાજને મળ્યા બાદ તેમણે અઠ્ઠઈ તપ કરવાનું જણાવ્યું હતું.