વડનગરઃ સતલાસણાથી ૧૦ કિ.મી. દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. જે ૪થી ૫મી સદીનો હોવાનું અનુમાન છે. અડધી આંખો ખુલ્લી અને લાંબા કાન ધરાવતી આ પ્રતિમાને લઈ કુતૂહલ ઊભું થયું છે. બૌદ્ધ ધર્મના ગુજરાત સાથેના સંબંધોની સાક્ષી પૂરતા કેટલાક અવશેષો તારંગા અને વડનગરથી મળી આવ્યા છે. તારંગામાં ૩૦૦ મીટર ઊંચા પર્વત પરથી મળી આવેલો બૌદ્ધ સ્તૂપ એની સાબિતી છે.
કેન્દ્રીય પુરાતન વિભાગના અભિજિત આબેકરના નેતૃત્વ હેઠળ તેમની ટીમ વડનગર અને તારંગામાં પુનઃ ઉત્ખનન પ્રક્રિયા શરૂ કરી છે. તારંગામાંથી ૫૪ જેટલી કુદરતી ગુફાઓ પણ મળી છે. આ કુદરતી ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુક રહેતા હતા.
આ દરમિયાન સતલાસણા તાલુકાના નેદરડી ગામેથી ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળતાં પુરાતન વિભાગે સંશોધન કર્યું છે. ઉત્તર ગુજરાતના તારંગાના ડુંગર પર બૌદ્ધ ધર્મનો ઇતિહાસ ધરબાયેલો છે.
તારંગાની નજીક આેવલા ભીમપુર વસવાટ હોવાની પણ શક્યતા છે. માનવામાં આવે છે કે તાંત્રિક બુદ્ધત્વનો અભ્યાસ અહીં કરવામાં આવતો હોઈ
શકે છે.