ગુજરાતમાં આ વર્ષે વરસાદ અનિયમિત રહ્યો છે. તેથી જગતના તાત એવા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. જોકે, બીજી તરફ વાવેતર બરાબર થઈ રહ્યું હોવાનો દાવો કરે છે. આ સંજોગોમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગવારા) ગામના ૩૨ વર્ષીય યુવાન ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે પોતાના જ ખેતરમાં ઝેરી દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. તાત્કાલિક અસરથી તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબિયત લથડતાં તેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો છે. જ્યાં તેની તબિયત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
• મહેસાણામાં સસરા-પુત્રવધૂની ગળુ કાપી હત્યાઃ મહેસાણાના દેદિયાસણ પાસે રહેતા પરિવારની મહિલા અને તેના ૯૦ વર્ષના સસરાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળું કાપીને હત્યા કર્યા બાદ અજાણ્યા લોકો ટીવી અને કમ્પ્યૂટરની લૂટ કરી ગયા હતા. પોલીસે અહીંની જીઆઇડીસીમાં આવેલી આશીર્વાદ ચોકડી પાસેના ફ્લેટમાં રહેતા ગોસ્વામી પરિવારમાં ડબલ મર્ડરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. લૂટારુંઓએ મીના ગોસ્વામીને ૨૦ જ્યારે તેના વૃદ્ધ સસરાને ૧૦ જેટલા ઘા માર્યા હતા. પછી ટીવી અને અન્ય વસ્તુઓ ચોરી નાસી ગયા હતા. જોકે વજનદાર ટીવી ઉઠાવી જનાર લૂંટારુંઓએ સોનાની બુટ્ટી કે પગની શેરો જેવા દાગીના લૂંટ્યા નહોતા. આમ ડબલ મર્ડર કેસમાં લૂંટનો મુદ્દો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.