મહેસાણાઃ પાકિસ્તાનના બીજા હિન્દુ કિકેટર દાનિશ કનેરિયા ત્રણ દિવસ માટે મહેસાણાનો મહેમાન બન્યો હતો. પત્ની ધાર્મિકતા અને માતા સાથે આવેલા કિકેટરે રવિવારે કુળદેવી અંબાજી માતાના દર્શન કર્યા હતા. દાનિશ કાનેરિયા પોતાની પત્ની અને માતા સાથે પાંચમી જૂને બપોરે અંબાજી મંદિરમાં દર્શને આવ્યો હતો. પાકિસ્તાનના કરાચીમાં રહેતા મૂળ ભારતીય ખેલાડી દાનિશે સરહદ પારથી આવીને શક્તિપીઠ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરના મહારાજ દ્વારા ખેલાડી અને તેના પરિવારને પાવડી પૂજન કરાવાયું હતું અને માતાને ધરાવાયેલી પ્રસાદી અપાઈ હતી. દાનિશે માતાજીના આશીર્વાદ લેવા આવ્યો હોવાનું જણાવી કહ્યું કે મા અંબા પ્રેમ અને શાંતિનો સંદેશો આપે છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વર્ષ ૨૦૦૦માં ઓગણીસ વર્ષની ઉંમરે સ્થાન મેળવનાર અને ટેસ્ટ ૬૧ ટેસ્ટ મેચોમાં ૨૬૧ વિકેટ લેનાર હિન્દુ કિકેટર દાનિશ કનેરિયા ત્રણ દિવસ માટે તેની પત્ની અને માતા સાથે મહેસાણાનો મહેમાન બન્યો હતો. મહેસાણા અલકેશભાઇ ચૌધરીના મહેમાન બનેલા દાનિશ કનેરીયાએ રવિવારે પરિવાર સાથે કુળદેવી અંબાજી માતાના દર્શન કર્યાં હતાં. જયાં તેણે માતાજીના આશીર્વાદ સાથે પ્રેમ અને શાંતિનો સંદેશો આપે છે તેમ કહયું હતું. આ ઉપરાંત પાકિસ્તાનના બ્લુચિસ્તાનમાં હિંગળાજ શક્તિપીઠ પછી અંબાજી શક્તિપીઠના દર્શન કરવાની તેને અમૂલ્ય તક મળી છે.
મહેસાણા આવતા પૂર્વે દાનિશ કનેરિયાએ શિરડી સાંઇ બાબા અને મુંબઈ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં. ટેસ્ટ ઉપરાંત દાનિશ કનેરીયાએ ૧૮ વન ડેમાં ૧૫ વિકેટ ઝડપી છે. કરાચીમાં રહેતા દાનિશ કનેરિયાના પૂર્વજો સુરતમાં રહેતા હતા. રાઇટ આર્મ ઓફ સ્પિન બોલીંગ કરનાર કનેરિયા પાકિસ્તાન તરફથી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા નંબરનો બોલર છે.