પાલનપુરઃ વર્લ્ડ રેસલિંગની સફળતા જોઈને ૧૨ દેશના કુસ્તીબાજોની એક કોમ્પિટિશન ઉત્તર ગુજરાતના પાલનપુરમાં રાખવામાં આવી છે. તેનું નામ ‘એશિયન રેસલર એન્ટરટેઈનમેન્ટ’ છે. ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશોના કુસ્તીબાજોને બોલાવી કુસ્તી લડાવવાનું આયોજન આયોજકે કર્યું છે.
પાંચમી જાન્યુઆરીએ પાલનપુરની એક કોલેજના મેદાનમાં યોજનારી આ કુસ્તી સ્પર્ધાની ટિકિટ પણ ધૂમ વેચાઈ છે. એવામાં પાકિસ્તાની કુસ્તીબાજો ફારુક ખાન અને ફિરોન ખાને ગુજરાતીઓને ‘કૂતરા’ અને ‘સુવર’ કહેતો વીડિયો બનાવીને વહેતો મૂકતાં વિવાદ વકર્યો છે.
વિવિધ હિન્દુ સંગઠનોમાં આ સ્પર્ધા અને પાકિસ્તાની સ્પર્ધકો સામે રોષ વ્યાપી ગયો છે. પાલનપુરમાં રેસલિંગની સ્પર્ધા પ્રથમવાર યોજાઈ રહી છે ત્યારે વિવાદ સર્જાતાં સ્પર્ધાના આયોજક મુકેશભાઈ મોઢે જણાવ્યું છે કે બે પાકિસ્તાની કુસ્તીબાજ અને અન્ય ૨૩ કુસ્તીબાજો મળીને કુલ રપ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેનાર છે. જેમાં રવિ પ્રજાપતિને ચેંલેજ આપતો વીડિયો ખલી દ્વારા મુકાયો છે અને રવિ પ્રજાપતિએ પાકિસ્તાની ખેલાડીઓને પણ ચેલેંજ આપી છે. તેઓએ એકબીજાને અંગત રીતે ચેલેંજ આપતાં હોવાની બાબત છે જે સામાન્ય છે. તેનાથી અન્ય કોઈની લાગણી દુભાવાનો કોઈ આશય નથી.
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠાના અગ્રણી કાંતિભાઈ પુરોહિતે પાકિસ્તાની કુશ્તીબાજોની અભદ્ર ભાષામાં કરેલી ટિપ્પણીને વખોડી કાઢતાં કહ્યું હતું કે ગુજરાતીને ખરાબ કહેનારાએ ગુજરાતમાં પગ મૂકવો જ ન જોઈએ. સુરક્ષાવિભાગે તેમને અહીં આવવાની મંજૂરી આપવી ન જોઈએ.
હિન્દુ સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી પાકિસ્તાની સ્પર્ધકોના વિઝા રદ કરવાની માગ પણ કરી હતી. જો પાકિસ્તાની સ્પર્ધકો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થાય તો બે લાખ હિન્દુ કાર્યકરો સ્પર્ધાના સ્થળે દેખાવ કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે.