પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી હોવાનો તપાસ રિપોર્ટ લોકાયુક્ત દ્વારા સરકારને સોંપાતાં તેમને કુલપતિના હોદા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. પ્રજાપતિના ૨૬ મહિનાના કાર્યકાળ દરમિયાન પુત્રને નોકરીમાં લેવા સહિતના ૨૬ જેટલા સંગીન આરોપો થયા હતા. જ્યારે છઠ્ઠીએ જ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો. અનિલ જે. નાયકની નિમણૂક કરાઇ હતી.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમબીએ વિભાગના પ્રોફેસર અને ત્યારબાદ કુલપતિ તરીકે ૨૦ ડિસેમ્બર, ૧૬માં કાયમી કુલપતિ તરીકે નિમણૂક કરાઇ હતી. કાર્યભારના બે વર્ષમાં ભરતી, નાણાકીય ચૂકવણુ તેમજ કોલેજો પાસે પૈસા ઉઘરાવ્યા હોવા સુધીના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત યુનિવર્સિટી બચાવો સમિતિ, એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા તબક્કાવાર રજૂઆતો સાથે આક્ષેપો કરાયા હતા. જેને લઈ કુલપતિ સામે લાગેલા આક્ષેપોના તપાસ માટે સરકારે તપાસ સમિતિઓ રચી હતી. ધારાસભ્ય ડો. કિરીટ પટેલે લોકાયુક્તમાં પુરાવા સાથે કરેલી રજૂઆત બાદ આક્ષેપોમાં તથ્ય મામલે યુનિવર્સિટી વિભાગોના ડોક્યુમેન્ટ, વહીવટી અધિકારીઓની પૂછપરછ સહિત વેરિફિકેશન કરાયું હતું અને તમામ પાસાઓ તપાસ્યા બાદ લોકાયુક્તે કુલપતિ દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો મુખ્ય પ્રધાન ઓફિસમાં રિપોર્ટ સોંપ્યો હતો. જેના આધારે કુલપતિ ડો. બી.એ. પ્રજાપતિને હોદ્દા પરથી હટાવવાનો હુકમ કરાયો હતો.