પાટણ: રાજ્ય સરકારે રૂફટોપ પોલીસી અમલમાં મૂક્યા પછી લોકોના મકાનો અને કચેરીઓની અગાસી પર સૌર ઊર્જા પેદા કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા મથકમાં પણ સૂર્યના કિરણો દરરોજ લગભગ ૩૦ હજારથી વધુ યુનિટ ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે. જેના થકી સરકારી કચેરીઓના વીજભારણમાં ઘટાડો થયો છે તો રહેણાક અને વેપારી ઈમારતોમાં પણ સૂર્યમાંથી ઉર્જા પ્રગટ થઈ રહી છે. પાટણ શહેરમાં ૩૦ જેટલા સરકારી ભવનો, ૮૦૫ રહેણાક મકાનો, બે કમર્શિયલ બિલ્ડીંગ અને એક ધાર્મિક સ્થળમાં સોલાર યુનિટ અલગ-અલગ ક્ષમતાના નાખવામાં આવ્યા છે. તેમાં ૫૨૪૬.૪૮ કિલોવોટ સૌર ઊર્જા ઉત્પન્ન થઈ રહી છે. રોજ સરેરાશ ૩૦ હજાર યુનિટ વીજળી પેદા થાય છે. કલેકટર કચેરી, જિલ્લા પંચાયત વગેરે કચેરીઓમાં પેદા થતી વીજળી ગ્રીડમાં જનરેટ નથી થતી. પૂર્વ ઈજનેર પી. એમ. પટેલે જણાવ્યું હતું કે, ટુ કેવી યુનિટમાં ૮૫૦૦૦ ખર્ચ થયો હતો જોકે કોસ્ટ ઘટતાં હવે ૩ કેવી યુનિટ રૂ. ૮૦૦૦૦માં થઈ જાય છે. અમે લીધું તે સમયે રૂ.૬ એક યુનિ ટના કરાર હતા. ૧૧થી ૧૨ હજાર યુનિટ થાય તો રૂ. ૭૨૦૦૦નું વીજ જનરેશન મળવાપાત્ર હતું.
વીજભારણમાં ફાયદો
સ્થાનિક રહેવાસી ડો. રેનિશ મેમદાણીએ જણાવ્યું કે, આઠ વર્ષથી હોસ્પિટલમાં અને ત્રણ વર્ષથી ઘરે યુનિટ કરેલું છે જેમાં હોસ્પિટલમાં રોજના ૧૫૦ યુનિટ વીજ ઉત્પાદન મળે છે. વીજ ભારણમાં ૮૦ ટકાનો ફાયદો મળે છે.
ટૂંક સમયમાં ૫૦૦ મકાન પર સોલર પેનલ
યુજીવિસીએલ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ ૧ કેવી ક્ષમતા ધરાવતા સોલાર સિસ્ટમમાં સરેરાશ પાંચ યુનિટ વિદ્યુત જનરેશન મળી રહે છે. શહેરમાં ૫૦૦થી વધારે દરખાસ્ત પાઈપલાઈનમાં છે. સોલાર પ્લેટ માટે લગભગ ૨૦૦ કંપનીઓ છે જે પ્લેટ ફીટ કરી આપે તે પછી વિજ કંપની મીટર લગાવી આપે છે. શહેરમાં સોલાર તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે તે જોતા સોલાર હબ પણ બે ત્રણ વર્ષમાં જ બની શકે છે.