પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગે વિદ્યાર્થીનો જીવ લીધોઃ 15 સામે ગુનો નોંધાયો

Wednesday 20th November 2024 05:45 EST
 
 

પાટણઃ નગરની ધારપુર મેડિકલ કોલેજમાં શનિવારે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવકનું કહેવાતા રેગિંગથી મોત નીપજતાં ભારે હોબાળો મચી ગયો છે. પોલીસે આ ઘટના અંગે 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા 18 વર્ષના અનિલકુમાર નટવરભાઈ મેથાણીયાએ થોડાક સમય અગાઉ જ કોલેજમાં એડમિશન લીધું હતું. સિનિયર વિદ્યાર્થીઓના આદેશથી સતત ત્રણ કલાક માથું ઝૂકાવીને ઉભેલો અનિલ પડી ગયો હતો અને મૃત્યુ નીપજ્યું હતું.
સામાન્ય રીતે રેગિંગના બનાવમાં કોઇનું મોત થયું હોય તેવી કદાચ આ પહેલી ઘટના હશે. રેગિંગના બનાવોમાં આરોપીઓ પુરાવાના અભાવે વધુ છૂટી જતા હોય છે.આ કેસમાં જે કલમો લગાવી છે તેના પૂરતા પુરાવા, સાક્ષીની ફીટ જુબાની જો હોય તો આરોપીઓને આજીવન કેદ સુધીની પણ સજા થઈ શકે છે.
જે સિનિયર મેડિકલ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઇ છે તેમાં અવધેશ અશોકભાઇ પટેલ, હિરેન મનસુખભાઇ પ્રજાપતિ, તુષાર પીરાભાઇ ગોહલેકર, પ્રકાશ માધાભાઇ દેસાઇ, જયમીન સવજીભાઇ ચૌધરી, પ્રવીણ વરજાંગભાઇ ચૌધરી, વિવેક ગમનભાઇ રબારી, ઋત્વિક પુરશોત્તમભાઇ લીંબાડિયા, મેહુલ પ્રતાપભાઇ ઢેઢાતર, સુરજલ રૂડાભાઇ બદદાણિયા, હરેશ ગંભીરભાઇ ચાવડા, વૈભવકુમાર વિકેશકુમાર રાવલ, પરાગ ભરતભાઇ કલસરિયા, ઉત્પલ શૈલેશભાઇ વસાવા અને વિશાલ લગધીરભાઇ ચૌધરીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter