પાટણઃ પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે રવિવારે રાત્રે ૧૧.૦૦ કલાકના અરસામાં પાટણના હારિજ ત્રણ રસ્તા નજીક મોટી સંખ્યામાં લોકોને જોઇને અજાણ્યો ટ્રક ચાલક અંધારાનો લાભ લઇને ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો તેટલામાં પોલીસ સ્થળે પહોંચી હતી. અજાણ્યા ટ્રકમાંથી પશુઓને નીચે ઉતારી ટ્રકને સળગાળવાની કોશિશ લોકો કરવા લાગ્યા ત્યારે પોલીસે તેઓને રોકવા પ્રયાસ કરતાં પોલીસ સાથે ધક્કામુક્કી થઈ હતી. ટ્રકના આગળના કાચ તોડી તેમજ ટાયર સળગાવાયું હતું. આ ઘટનામાં ૬ની ધરપકડ કરાઈ હતી. વાહન મૂકીને નાસી ગયેલા ૧૩ લોકોનાં વાહન કબજે કરાયા હતા. આ ઘટનામાં ટ્રકમાં ૧૧ ભેંસો ભરેલી હતી. પશુપ્રેમીઓએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.