પાટણઃ ઉત્તર ગુજરાતમાં સિધ્ધપુરની સરસ્વતી નદીના રેતીના પટમાંથી મળેલાં સોલંકી કાળના અતિ પ્રાચીન અને મૂલ્યવાન અવશેષોને સાચવવા માટે પાટણમાં ખાસ મ્યુઝિયમમાં મુકાશે. નદીના પટમાંથી સેટેલાઈટની મદદથી શોધાયેલાં શિલ્પો સોલંકી કાળના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અતિ કિંમતી આ શિલ્પોને હવે ગુજરાતનો હેરિટેજ વારસો બનાવવા નવા મ્યુઝિયમમાં મૂકાયા છે. પાટણ પાસે બનેલું આ મ્યુઝિયમનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે. ઈસરોના પૂર્વ સેટેલાઈટ આર્કિયોલોજીના વૈજ્ઞાનિક ડો. પી. એસ. ઠક્કરે સેટેલાઈટ ફોટાના આધારે શોધી કાઢયું હતું કે, સરસ્વતી નદીમાં કેટલાંક શિલ્પો છે. પછી તેમણે સ્થળની મુલાકાત લીધી તો અનેક શિલ્પો, રુદ્ર મહેલ, શિવ મંદિરના હોવાનું જણાતાં તેની જાણ સરકારને કરી હતી. આ મૂલ્યવાન વારસાને સાચવવા માટે મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યાં છે.