પાટણઃ સામાન્ય રીતે નણંદ-ભાભીના સંબંધોમાં ચડભડ રહેતી હોય છે, પણ પાટણના નણંદ-ભાભીનો કિસ્સો કંઈક અલગ અને અનોખો છે. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં નણંદ માટે ભાભીએ સરોગેટ મધર બનીને સંતાન સુખ આપતાં નાના ગામમાં નણંદ-ભાભી વચ્ચેના સ્નેહનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. અહીં બાળક માટે મામી અને માતા એમ બે સંબંધો બંધાયા છે. તેથી કેટલાક પરિવારજનો ખુશ છે તો કેટલાક નારાજ છે. જોકે, પિતરાઈ ભાભી હોવા છતાં ભાભીએ નણંદને સંતાન સુખ આપવા સહજ તૈયારી દર્શાવી હતી. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં રહેતા અમૃતા વાઘેલાના લગ્ન ૧૯૯૮માં ખારીવાવડી ગામના જયંતિ પરમાર સાથે થયા હતાં. પતિ વીજ બોર્ડમાં કાંકરેજના પાદરડી સબસ્ટેશનમાં ફરજ બજાવે છે. અમૃતા પાટણ તાલુકાના વાયડ ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરે છે, પણ તેઓ સંતાનસુખથી વંચિત હતા. છેવટે અમદાવાદના ડો. ધર્મેશ કાપડિયાનો તેમણે સંપર્ક કર્યો હતો. તેમણે કુદરતી રીતે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ઓછી હોવાનું જણાવી સરોગેટ મધર માટે કોઈ તૈયાર થાય તો ટેસ્ટ ટ્યૂબ બેબીથી બાળક થઈ શકે તેવી સલાહ આપી હતી.
આ બાબતની જાણ અમૃતાએ અમદાવાદ ખાતે રહેતા ભાઈ શંકરભાઈ પરમાભાઈ અને ભાભી હસુમતીને કરી હતી. બંને ભાઈ-ભાભી અમૃતાની વેદનાની વાકેફ હતાં અને હસુમતીબહેન અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી તેઓ પણ સરોગેટ મધરના વિકલ્પથી માહિતગાર હતાં. તેઓ તરત સરોગેટ મધર બનવા તૈયાર થઈ ગયા અને તબીબ પાસે ટ્રીટમેન્ટ લીધી. મહિનાઓની સારવાર અને સંભાળ મુજબ હસુમતીબહેને નણંદના દીકરાને પાટણ ખાતે હોસ્પિટલમાં જન્મ આપ્યો.