મહેસાણામાં ૧૯મી એપ્રિલે જેલભરો આંદોલનમાં થયેલા તોફાનકેસ અંગે નોંધાયેલી ફરિયાદના પગલે પાટીદાર મહિલા આગેવાન વંદના પટેલની ૨૦મી મેએ મહેસાણા હાઇવે પરથી પોલીસે ધરપકડ કરી હતી. કહેવાય છે કે નીતિન પટેલનો વિરોધ કરવા મળેલી બેઠક બાદ પરત ફરી રહેલા વંદના પટેલની પોલીસે ધરપકડ કરી હતી.
• ગુંદરી ચેકપોસ્ટ પરથી રૂ. ૪૦.૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયોઃ પાંથાવાડા પોલીસે મળેલી બાતમીના આધારે ૧૯મી મેએ ગુંદરી ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા કન્ટેઈનરમાંથી
રૂ. ૩૦,૩૦,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે કન્ટેઈનરના ચાલકની અટકાયત કર્યા બાદ અન્ય રૂ. ૧૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો પણ કન્ટેઈનરમાંથી મળી આવ્યો હતો.
• ફેસબુકિયા પ્રેમનો અંત, યુવકની ગરીબી જોઈ યુવતી ભાગી ગઈઃ મહેસાણાનો યુવક જૈમીન સુથાર પાંચ મહિના પૂર્વે ફેસબુક પર ચેટિંગ દરમિયાન દાર્જિલિંગની એક યુવતીના પરિચયમાં આવ્યો હતો. વોટ્સએપ અને વીડિયો કોલિંગથી ગાઢ પરિચયમાં આવેલી યુવતીએ યુવકને દાર્જિલિંગ આવવાનું આમંત્રણ આપતાં યુવક મિત્રો પાસેથી રૂપિયાની ઉદારી કરીને દાર્જિલિંગ પહોંચ્યો હતો. યુવતીએ યુવકની પોતાના ઘરે ઓળખાણ કરાવતાં પરિવારે યુવતીને સાથે લઇ જવા જિદ કરી. બન્ને પ્રેમીઓ મહેસાણા આવ્યા. યુવતી એક તરફ જૈમીનનું ઘર અને ગરીબી જોઈને ડઘાઈ ગઈ તો જૈમીન અને યુવતીનો જૈમીનના પરિવારે સ્વીકાર ન કરતાં બંને રસ્તા પર આવી ગયા. અંતે જૈમીનની ગરીબીથી કંટાળીને યુવતી દાર્જિલિંગ પરત ફરી ગઈ.