મહેસાણાઃ ઊંઝામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની મુલાકાતનો સ્થાનિક પાટીદાર મહિલાઓએ વેલણથી થાળી ખખડાવીને જોરદાર વિરોધ કર્યો હતો. પોતાનો વિરોધ કરતી મહિલાઓનું રૌદ્ર સ્વરૂપ જોઈને રૂપાલા ત્યાંથી નીકળી ગયા હતા. આવો જ વિરોધ પાટણમાં પણ થયો હતો. બીજી તરફ આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલનું ગુલાબ ભાજપના નેતાઓને પિસ્તોલથી પણ વધુ જોખમી લાગી રહ્યું છે. જેના લીધે હાર્દિક પટેલ જ્યાં-જ્યાં ભાજપી નેતાઓને ગુલાબ આપવા જાય છે ત્યાંથી ભાજપના નેતાઓ ગાયબ થઈ જાય છે. ગત સપ્તાહે મહેસાણામાં જિલ્લા પંચાયતના એક કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલનો વિરોધ પાટીદાર મહિલાઓએ વેલણથી થાળીઓ વગાડીને કર્યો હતો. સાથોસાથ હાર્દિક પણ ગુલાબ આપવા ત્યાં પહોંચતાં રજની પટેલ પાછલા દરવાજેથી નીકળી ગયા હતાં.