અમદાવાદ: બનાસકાંઠાના પાલનપુરથી અજમેરના મદાર સુધીના ૩૩૫ કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી અને ટેસ્ટીંગ પૂર્ણ થઇ જતાં ૩૧ માર્ચથી આ રૂટ પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવાયો છે. અત્યાર સુધી આ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનો સરેરાશ ૨૫ કિમીની ઝડપે દોડતી હતી, પરંતુ હવે આ નવો ડેડિકેટેડ રૂટ શરૂ થતાં ગુડ્સ ટ્રેન સરેરાશ ૭૫થી ૧૦૦ કિમીની ઝડપે દોડશે. વધુમાં દોઢ કિમી જેટલી લંબાઈ ધરાવતી ડબલ સ્ટેક કન્ટેનર સાથેની ગુડ્સ ટ્રેનોનું પણ સંચાલન થશે.
રેલવેના અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, પાલનપુરથી રેવાડી થઈને આગળના આ રૂટ પર રો-રો સર્વિસ પણ શરૂ કરાશે. જેમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ટ્રકોમાં લોડ કરાતા ગુડ્સ સામાન સાથે આખેઆખી ટ્રક જ ગુડ્સ ટ્રેન પર લોડ કરી દેવાશે. આમ એક સાથે ૧૦૦થી વધુ ટ્રક ગુડ્સ ટ્રેન પર લોડ થતાં રોડ પર ટ્રકોનું ટ્રાફિક ભારણ ઘટશે, જેથી પ્રદૂષણ પણ ઘટશે. સાથોસાથ સમય અને નાણાં પણ બચાવ થશે.