પાલનપુર: પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦ દિવસ પહેલાંથી ભૂમિને ન્યૂમોનિયા થતાં મેરિન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. માતા-પિતાએ બંને બહેનોને ભારત પરત લાવવા માટે બને તેટલા પ્રયત્નો કર્યાં હતા, પરંતુ કમનસીબે બીમાર ભૂમિનું અમેરિકામાં જ મૃત્યુ થયું હતું.
નરસિંહભાઇની બંને દીકરીઓ તબીબી અભ્યાસ માટે અમેરિકાની આર્મેનિયા કોલેજમાં દાખલ થઈ હતી. ભૂમિ મેડિકલ - તબીબી અભ્યાસના ચોથા વર્ષમાં હતી અને ભૂમિની નાની બહેન સિદ્ધિ મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ભૂમિની તબિયત લથડતાં તેને અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. સાથે સાથે બંને બહેનોને ભારત લાવવાના પ્રયાસો પણ જારી કરાયા હતા.
એન્સેફાલોમનઝાઈટીસ રોગ
સારવારમાં યુવતીને એનસેફાલોમનજાઈટીસ નામનો રોગ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી યુવતીના શરીરના અંગો ધીરેધીરે કામ કરતા બંધ થઈ ગયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પહેલાં ભૂમિની તબિયતમાં સુધારો પણ આવ્યો હતો, પરંતુ પછીથી તેના હાર્ટ, કિડની અને ફેફસાંને નુકસાન થતાં તેની તબિયત વધુ લથડી હતી. ભૂમિ ગંભીર બીમારીમાં સપડાઈ જતાં તબીબોએ પણ હાથ અદ્ધર કરી દીધાં હતાં.
ભૂમિની તબિયતની સિદ્ધિ અને બીજા મિત્રો સતત ડીસામાં રહેતા નરસિંહભાઈને જાણ કરતાં હતાં. પિતા નરસિંહભાઈ દીકરીઓને સતત ભારત લાવવા પ્રયત્નો કરતા હતા. સિદ્ધિએ ટ્વિટ કરીને ભારતનાં વડા પ્રધાન, મુખ્ય પ્રધાન સહિત રાજકીય અને સામાજિક આગેવાનો પાસે મદદ માગી હતી અને એર એમ્બ્યુલન્સ દ્વારા દીકરીઓને ભારત લાવવાની માગ કરી હતી, પરંતુ કોરોનાના કહેરના કારણે ફ્લાઇટ બંધ હોવાથી તેમને ભારત લાવવા મુશ્કેલ બન્યા હતા.
દીકરીને પરત લાવવા રૂ. ૫૦ લાખ પણ ચૂકવવા તૈયાર હતા
ડીસાના અને ધંધાર્થે પાલનપુર રહેતા નરસિંહભાઈએ પુત્રીઓને વતન લાવવા અનેક પ્રયત્નો હાથ ધર્યાં હતાં. ભૂમિને ભારત લાવવા એર એમ્બ્યુલન્સનું ભાડું રૂ ૫૦ લાખ થઈ શકે તેમ હતું તે ચૂકવવા પણ તેઓ તૈયાર હતા.
કોરોનાના કહેરથી પાયલટ ભારત આવવા તૈયાર નથી
બીજી તરફ સિદ્ધિ ઉપરાંત બહેનોના મિત્રો હાર્દિક પઢિયાર, ડીસાના બ્રિજેશ માળી અને અન્યોએ વડા પ્રધાન મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ઉત્તર ગુજરાતના ભાજપી નેતા શંકર ચૌધરી, અભિનેતા અમિતાભ બચ્ચન સહિત સામાજિક નેતાઓ પાસે મદદ માગી હતી. જોકે, ભૂમિને જીવંત ભારત લાવવી શક્ય બની નહોતી. કોરોનાના કારણે કોઈ પાયલટ પણ મુસાફરી માટે તૈયાર ન હોવાનું જણાવાયું હતું. જોકે એક અહેવાલ એવા પણ છે કે, ભૂમિને એરલિફટ કરવા પ્રાઇવેટ પ્લેન નક્કી કરાયું હતું. પરમિશન માગી હતી, પરંતુ પરમિશન લેવામાં સમય વીતી ગયો હતો. ૧૫મી મેએ પ્લેન લેવા માટે જવાનું હતું. તે પહેલાં જ ભૂમિએ અંતિમ શ્વાસ લીધાં હતાં. ભાંગી પડેલા નરસિંહભાઈએ જણાવ્યું હતું કે, પુત્રીની અંતિમવિધિ અમેરિકામાં જ કરવાનું નક્કી કરાયું હતું.