અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં અને ધર્મમાં શંખનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. મંદિરોમાં આરતી બાદ શંખ વગાડાય છે તો પ્રાચીન કાળમાં યુદ્ધ વખતે શંખનાદ કરવામાં આવતો હતો, પરંતુ જીવતા શંખ જવલ્લે જ જોવા મળતા હોય છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ત્રણ મકાનમાં છેલ્લા બે વર્ષથી શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ૧૦૦થી વધુ જીવતા શંખ જોવા મળે છે. આ બાબતે કુતૂહલ જગાડી મૂક્યું છે.
હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથને પ્રિય એવા શંખ જીવતા મળતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જીવતા શંખ નદી કિનારે જ જોવા મળતા હોય છે. પરંતુ પાલનપુર હાઈવે સ્થિત હનુમાન ટેકરી વિસ્તારમાં ત્રણ ઘરમાં એક-બે નહીં પણ ૧૦૦થી વધુ જીવતા શંખ એકસાથે જોવા મળે છે. આ જીવતા શંખને કોઈપણ પ્રકારનો ખોરાક અપાતો નથી અને તેઓ પોતે કુદરતી રીતે જીવતા રહે છે. ચોમાસું પૂરું થતાં આ જીવતા શંખ અલોપ થઈ જાય છે. આ શંખ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે સંશોધનનો વિષય છે.
આપણે જેને જીવતા શંખ તરીકે ઓળખીએ છીએ તે હકીકતમાં મૃદુકાય પ્રાણીનું કવચ છે. આ કવચ સામાન્ય રીતે ડાબી બાજુના વલય તરીકે રચાયેલું હોય છે, પરંતુ જવલ્લે જ તે જમણા વલયવાળું જોવા મળે છે.
આ કવચ સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. વૈજ્ઞાનિક રીતે ફક્ત સ્ટ્રોમ્બિડી કૂળના અને સ્ટ્રોમ્બસ ગોત્રના સભ્યોને જ સાચા શંખ ગણવામાં આવે છે. સામાન્ય રીતે બોલીમાં અને ગુજરાતીમાં આ પ્રકારના બધા જ પ્રાણીઓને શંખ તરીકે ઓળખીએ છીએ.