પાલનપુર: પાલનપુર એલસીબી પોલીસે શહેરના ગુરુનાનક ચોકમાંથી બીજી નવેમ્બરે રાત્રે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. જેમાં અમેરિકન નાગરિકો પાસેથી લોન આપવાના બહાને છેતરપિંડી કરાતી હતી. ઓરિસ્સાનો બાર ધોરણ પાસ એક યુવક ફોકડું અંગ્રેજી બોલી અમેરિકનોને છેતરતો હતો. આ સિવાય અન્ય ૧૧ યુવકો પણ સામેલ હતા. જેમાં મોટાભાગના અમદાવાદ અને ઓરિસ્સાના છે. ભાડાના મકાનમાં ચાલતા કોલ સેન્ટરમાંથી કોમ્પ્યુટર સહિત ૩.૮૯ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ કોલ સેન્ટર ઝડપાયું છે.
પોલીસને બાતમી મળી હતી કે, અસ્ફાક અહેમદ શફીઉલ્લાખાન કાજી ભાડેથી મકાન રાખી તેના પહેલા માળે કોલ સેન્ટર ચલાવી અમેરિકા સહિતના વિદેશીઓને લોનના બહાને છેતરપિંડી આચરતો હતો.
મહિને ૨૦થી ૩૦ હજાર ડોલરની ઠગાઈ
કોલ સેન્ટરના કર્મચારીઓ અમેરિકાના લોકોના સંપર્ક નંબર મેળવી લોન આપવાની લાલચ આપી વેરીફિકેશન અને લોન એગ્રીમેન્ટના નામે ગ્રાહક પાસેથી રૂ. ૨ હજાર ડોલર લઈ મહિનાના ૨૦થી ૩૦ હજાર ડોલરની છેતરપિંડી આચરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.