કડીઃ નિઃસંતાન દંપતી સંતાન માટે કેટકેટલી બાધા-આખડી રાખતા હોય છે. તો બીજી તરફ જેને સંતાન હોય તેને કંઈ કિંમત નહીં હોવાનો કિસ્સો કડીમાં બહાર આવ્યો છે. એક પુત્રી પછી બીજી પ્રસુતિમાં પણ પુત્રીનો જન્મ થતાં માતા-પિતા અને દાદા-દાદી પૈકી કોઈએ એક માસની દીકરીનું ગળું દબાવીને મારી નાખ્યાની ઘટનાએ સમાજમાં અરેરાટી પ્રસરાવી છે. પરિવારજનોએ તો હત્યા છૂપાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ડોક્ટરોએ બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે.
કડીના કરણનગર રોડ ઉપર રાજભૂમિ ફલેટમાં રહેતા પટેલ પરિવારમાં મિષ્ટિ નામની એક માસની દીકરીનું ડિસેમ્બર ૨૦૧૯માં મોત નીપજ્યું હતું. કડી પોલીસે ૧ માસની બાળકી મિષ્ટિની લાશના ગળા પર લાલ નિશાનો જોઇને પુછપરછ કરતા બાળકીને સ્તનપાન વેળા દુધનું ઇન્ફેકશન થતાં લાલ નિશાન બન્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આથી કડી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને બાળકીના મૃતદેહનું સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ વેળા સરકારી હોસ્પિટલોના તબીબોને બાળકીનું ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાની આશંકા થઇ હતી. આથી તેમણે બાળકીનો મૃતદેહ અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યોહતો. જેમાં ફોરેન્સીક તબીબોએ એક માસની બાળકી મિષ્ટિનું ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ રિપોર્ટના આધારે અકસ્માત મોતની નોંધ કરનાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. મહેસાણાના નાયબ જિલ્લા પોલીસ વડાએ ખુદ આ કેસમાં ફરિયાદી બનીને બાળકીની માતા રિનાબેન હાર્દિકભાઇ પટેલ, પિતા હાર્દિક ઉપેન્દ્રભાઇ પટેલ, દાદા ઉપેન્દ્રભાઇ જોઇતારામ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઇ પટેલ વિરુદ્ધ પૂર્વ આયોજીત કાવતરુ રચીને બાળકીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ગુનો નોંધ્યો છે. સાથેસાથે જ હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવા માટે ખોટી હકીકતો જાહેર કરવા બાબતે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.