ગાંધીનગર: ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગત સપ્તાહેમાં પડેલા ભારે વરસાદને કારણે મૃતકોની કુલ સંખ્યા ૭૫ થઇ છે. જ્યારે પૂર અને વિવિધ કારણોસર બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અંદાજે ૬૬ હજારથી વધુ પશુઓનાં મોત થયાં છે. તેમાં સૌથી વધુ અસર બનાસકાંઠા અને કચ્છને થઇ છે. આ બંને જિલ્લામાં પશુપાલન ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલું છે અને ત્યાંના ઘણા લોકોનું જીવન તેના પર નભે છે.
રાજ્યના રાહત નિયામક બિપીન ભટ્ટના જણાવ્યા મુજબ ૪૦ લોકોનાં મૃત્યુ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ થયાં છે. જો કે ગયા જૂનમાં અમરેલી જિલ્લામાં થયેલા ભારે વરસાદ કરતાં આ આંક ઓછો છે, પણ અહીં પશુઓનાં માત વધુ થયાં છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી અસર પામેલાં ૧૨૦૦ ગામોમાં ૩૩ હજારથી વધુ ઢોર મૃત્યુ પામ્યા છે. કચ્છના પશુધનમાં સૌથી વધુ ખુવારી ભચાઉ તાલુકામાં થઇ છે અને તેમાં ૩૦ હજાર ઘેટા-બકરાના મોતનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧.૩૫ લાખ પરિવારોના ૫.૪૩ લાખ લોકોની આરોગ્ય ચકાસણી કરાઇ હતી.૧૦૧ ગામોમાં પૂરનાં પાણી ફરી વળતાં ૩૦૦૦થી વધુ લોકોનાં એનડીઆરએફ, આર્મી , બીએસએફ, અને એરફોર્સની ટૂકડીઓ દ્વારા સ્થળાંતરિત કરાયાં હતાં તેમ બનાસકાંઠાના કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યું હતું.
વરસાદ રોકાતા પૂરગ્રસ્ત તમામ ગામોનો સંપર્ક થયો છે અને બચાવકાર્ય પણ પૂર્ણ થયું છે. પુનર્વસન અને રોગચાળો ન ફેલાય એ માટે આરોગ્ય સુવિધા વધારવા માટે તંત્રએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આરોગ્ય અધિકારીઓની ૪૮૯ ટીમો વિવિધ ગામોમાંથી લોહીના નમૂના એકઠા કરી રહી છે. અત્યાર સુધીમાં એકઠા કરાયેલા ૩૭૦૦ નમૂનાઓમાંથી કોઇમાં રોગચાળાનાં ચિહ્નો જણાયાં નથી. કચ્છમાં થયેલા ભારે વરસાદથી ભૂજ તાલુકાના બન્ની વિસ્તાર, રાપર અને ભચાઉ તાલુકાના ગામોમાં અસર થઇ હતી. આ અંગે કચ્છના વહીવટી તંત્રના જણાવ્યા મુજબ સોમવાર સુધી રૂપિયા એક લાખ નવ હજારની સહાય કેશડોલ પેટે ચૂકવાઇ છે. તો મોટી સંખ્યામાં મૃત પશુઓના શબનો નિકાલ પણ કરાયો છે. બન્નીના કેટલાક ગામો પાણીમાં હોવાથી સંપર્ક કરવામાં સમસ્યા આવી રહી છે. આ સિવાય બન્નીના બાકીનાં ૮થી ૧૦ અસરગ્રસ્ત ગામોમાં જનજીવન હવે પૂર્વવત થયું હોવાનું કચ્છના કલેક્ટર એમ.એસ. પટેલે જણાવ્યું છે.
ક્લાઇમેટ ચેન્જની અસર
૨૭ જુલાઇથી વરસાદે થોડો વિરામ લીધો છે. આ સિઝનમાં વરસાદનું ચિત્ર બદલાયું છે. જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે તેવા દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો અને જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે તે કચ્છમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
વિશ્વમાં જે રીતે વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે તેની સીધી અસર ગુજરાતમાં થઇ છે. જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે તેવા કચ્છમાં આ સિઝનમાં સૌથી વધુ એટલે કે મોસમનો સરેરાશ કરતાં વધુ ૧૧૯.૭૨ ટકા વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદના ૧૦૦ ટકા વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં ૬૩.૨૯ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૭ ટકા તથા દક્ષિણ ગુજરાતમાં ૪૫ ટકા વરસાદ થયો છે. જેની સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૭૮ ટકા પડી ગયો છે. ૩૬ તાલુકાઓમાં સારો વરસાદ થયો છે. જો કે, ઉત્તર ગુજરાતનાં આઠ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે.
દૂધ ઉત્પાદનને ગંભીર અસર
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી થયેલી તારાજીના કારણે ડેરીઓના દૂધના ઉત્પાદનમાં ગંભીર અસર પડી છે. બનાસ ડેરીને દૂધ પૂરું પાડતાં તેના સભ્યોના પશુઓના મોટા પ્રમાણમાં મોત થયા છે. બનાસ ડેરીના સભ્યોના ખૂબ મોટી સંખ્યામાં પશુનાં મોત થયા હોવાથી તેના દૂધના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે. ડેરી સૂત્રો કહે છે કે, એક જ વર્ષમાં રૂ. ૮૨૧ કરોડનું દૂધ ગુમાવવું પડશે. પશુની સરેરાશ વય પ્રમાણે ગણવામાં આવે તો ૧૦ વર્ષનું દૂધ ગુમાવવું પડશે.