ઊંઝાઃ સમગ્ર દેશમાં કોરોનાના કહેરને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે વડનગરના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી એપ્રિલે પીએમ કાર્યાલયથી ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાના હાલચાલ પૂછ્યાં હતાં. વડા પ્રધાનનાં માદરે વતનના સાથી અને જૂના સંઘના કાર્યકર નારાયણ કાકાને લોકડાઉના અમલ વચ્ચે પીએમનો નારાયણ કાકાને ફોન રણકતાં પ્રથમ તો તેઓ ઓળખી શક્યા ન હતાં અને તેમણે પૂછ્યું હતું કે, કોણ બોલો છો? તેના જવાબમાં નરેન્દ્ર મોદી બોલું છું કહેવાતાં બંને ખખડીને હસી પડ્યાં હતાં. આ સમયે વડા પ્રધાન મોદીએ પોતાની લાક્ષણિક શૈલીમાં નારાયણ કાકાને કહ્યું હતું કે, કાકા આવું કરવાનું? વડા પ્રધાને નારાયણકાકાને ઘૂંટણ અંગે પણ સમાચાર પૂછીને કાકાનાં ધર્મપત્ની બબુબાના હાથના રોટલાંને પણ યાદ કર્યાં હતાં. નારાયણકાકાએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઈને લોકડાઉન અંગે લેવાયેલાં પગલાંને બિરદાવ્યા હતા.
વડા પ્રધાન નારાયણ કાકાના ખબરઅંતર પૂછવા જ ફોન કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નારાયણકાકા વચ્ચેની વાતની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઈ હતી.