મહેસાણા: ગાંધીનગર જિલ્લાના માણસાના વિહાર ગામની સીમમાં પ્રાચીન વિહાર નગરી ૧૧૮ હેક્ટર વિસ્તારમાં નીચે દટાયેલી હોવાના અનુમાન સાથે પુરાતત્ત્વ વિભાગની ટીમે તાજેતરમાં ખોદકામ શરૂ કર્યું છે. આ કામગીરીના પ્રથમ તબક્કે વિહારિયા હનુમાનજી મંદિર પાસે એક માટી પથ્થરથી બનેલા ટેકરાની ચારેય દિશામાં ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા વિહારની સીમમાં અગાઉ અભ્યાસ કર્યો હતો. જેના આધારે વડનગરની પુરાતત્ત્વ વિભાગની ટીમે ૧૬ જાન્યુઆરીથી વિહારિયા હનુમાનજી મંદિર પાસે ગૌચર જમીનમાં નાના ટેકરાથી ખોદકામ શરૂ કર્યું છે. માટી અને પથ્થરના ટેકરાની ચારેય દિશામાં ખોદકામ કરી નાનામાં નાની વસ્તુઓનું ઝીણવટથી ચકાસણી કરી મળતી ચીજવસ્તુઓને અલગ તારવી તેનું પરીક્ષણ કરી તે કેટલા સમય પૂર્વની છે તેના આધારે સમયમર્યાદા નક્કી કરાશે.
અગાઉ કિંમતી મૂર્તિઓ પ્રાપ્ત
વિહાર ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જે સ્થળે પુરાતત્ત્વ વિભાગે ખોદકામ શરૂ કર્યું છે ત્યાં અગાઉ જમીન ખેડતી વખતે કે અન્ય ખોદકામ વખતે અવારનવાર જૂની મૂર્તિઓ ચાંદીના સિક્કા સહિતની કિંમતી ચીજવસ્તુઓ મળી હતી.
પ્રાચીન અવશેષો મળી શકે
વિહારના નાયબ સરપંચ દશરથભાઇ પટેલ અને આગેવાન મહેન્દ્રભાઇ પટેલ સાથે વિહારિયા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, પુરાતત્ત્વ વિભાગે ત્રણેક દિવસથી ખોદકામ શરૂ કર્યું છે. વડનગરની જેમ અહીં પણ પ્રાચીન નગરી દટાયેલી હોવાનું અનુમાન છે. જો પ્રાચીન અવશેષો મળે તો અહીં જ મ્યુઝિયમ બને તેવી વિહાર સહિત આસપાસના ગ્રામજનોની માંગ છે. મ્યુઝિયમ બનશે તો નવું પ્રવાસન સ્થળ ઊભું થવાની સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે અને વિસ્તારને નવી ઓળખ મળશે.