કલોલઃ પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ હાઇ કમાન્ડે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડની પસંદગી કરતાં જ પ્રભાતસિંહે બળવાનો બૂંગિયો પીટ્યો હતો. તેમણે જોશભેર જાહેરાત કરી હતી કે પક્ષે તેમને ટિકિટ ન આપીને ભૂલ કરી છે. હવે તેઓ લોકસંપર્ક શરૂ કરશે અને મતદારોની લાગણી જાણી અપક્ષ તરીકે ઝૂકાવશે.
તેઓ ઉમેદવારીપત્રક પણ લઇ આવ્યા હતા. જોકે બે દિવસમાં બળવાનો સૂર શમી ગયો હતો. પાણીમાં બેસી ગયેલા પ્રભાતસિંહ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ હરખભેર હાજર રહ્યા હતા અને મુખ્ય પ્રધાનને આવકારવા પણ દોડી ગયા હતા. લોકો તેમનો રાજકીય રંગ જોઇને દંગ છે.