અમદાવાદ: વિસનગરમાં હત્યાની કોશિશના ગુનામાં સત્તા પર નહીં હોવા છતાં આરોપીના જામીન મંજૂર કરી દેવાના એક કિસ્સામાં વિસનગરના મેજિસ્ટ્રેટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા તથા જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે નોકરીમાંથી ફરજિયાત નિવૃત્ત કરાયેલા મેજિસ્ટ્રેટ યોગેશ એમ. વ્યાસને ઉચ્ચક રૂ. ૨૦ લાખ ચૂકવવા હુક્મ કર્યો છે. આ રકમ છ મહિનામાં ચૂકવવામાં ન આવે તો આ રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. સુપ્રીમે હાઇ કોર્ટના ચુકાદાને ટાંકીને નોંધ્યું છે કે, મેજિસ્ટ્રેટને સજા કરવાનો કેસ બન્યો નથી. મેજિસ્ટ્રેટ આઠ વર્ષથી ફરજિયાત નિવૃત્ત છે. તેમની ૫૩ વર્ષની ઉંમર થઇ ગઇ છે. ફરી વખત ફરજ પર લાવવા ઉચિત નથી.
વળી આ કેસમાં મેજિસ્ટ્રેટ સામે આક્ષેપ પુરવાર થતા નથી તો તેમનું આદર-માન જળવાવું જોઇએ. તેમને ફરજ પર તુરંત જ પાછા લઇ લેવા જોઇએ. જોકે કમનસીબે તેઓ હાલ નિવૃત્તિની વયમર્યાદા નજીક પહોંચી ગયા છે. હવે તેમને નોકરીમાં પણ પરત લેવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. આ સમયગાળા દરમિયાન તેમને પગારધોરણ પણ મળ્યું નથી. તેથી તેમનું પગારધોરણ નક્કી કરીને કેવી રીતે ભરપાઇ કરી શકાય? પગાર ગણીને કે ઉચ્ચક પગાર નક્કી કરીને વળતર ચૂકવવું? આટલા વર્ષો સુધી કામ નથી કર્યું તો પગાર ગણીને આપીએ તો નવો મુદ્દા ઊભા થાય. આ દરેક પ્રશ્નોના ઉકેલમાં તેમને ઉચ્ચક રૂ. ૨૦ લાખ વળતર ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો હુક્મ છે.