હિંમતનગરઃ હિંમતનગરમાં સોમવારે એક અનોખા લગ્ન યોજાયા હતા. આમ તો ગુજરાતમાં બાળ લગ્ન પર પ્રતિબંધ છે. પરંતુ એક ૧૧ વર્ષીય કન્યાના લગ્ન લેવાયા હતા અને તેના પર પ્રતિબંધનો કોઇ નિયમ લાગુ પડ્યો નહોતો. આ બાળાની બંને કિડની ખરાબ થવાથી તેનાં જીવનભરના સ્વપ્નોને પૂર્ણ કરવા માતા-પિતાએ દીકરીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે કરાવી કુંભ લગ્ન કરાવ્યા હતા.
જીજ્ઞેશભાઈ સાધુની ૧૧ વર્ષીય બાળકી છેલ્લા ઘણા સમયથી બંને કીડનીની બીમારી સામે લડી રહી છે. તેના આયુષ્યની મર્યાદા ઘણી ઓછી થઈ ગઈ છે. જેથી પોતાની વ્હાલસોયી પુત્રી ધરતીના જીવનની તમામ ઇચ્છાઓ પૂરી થાય તે માટે તેના માતા-પિતાએ કુંભલગ્નનું અયોજન કર્યું હતું. જેમાં સમગ્ર સોસાયટી એક પરિવાર બનીને ઊમટી પડીને કન્યા અને કૃષ્ણ ભગવાનના લગ્નમાં હાજરી આપીને આશીર્વાદ આપ્યા હતા. ભગવાન કૃષ્ણની જાન વાજતે ગાજતે પાડોશી નીતાબહેન જીગરભાઈ જાનીના ઘરેથી નીકળીને જિજ્ઞેશભાઇના ઘરે આવી હતી. અગ્નિની સાક્ષીએ સાત મંગળ ફેરા ફરીને લગ્નના સંસ્કાર પૂર્ણ કર્યા હતા. એક માતા-પિતા પોતાના સંતાનની ખુશી માટે કંઈપણ કરી છૂટતાં હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ ઘટના છે.