ગાંધીનગર: ઔદ્યોગિક સ્તરે પહેલેથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે. જેની પાછળ બનાસ ડેરી મહત્ત્વનું પરિબળ બનીને ઊભરી રહી છે. ચાર લાખ જેટલા દૂધ ઉત્પાદકો સાથે છેક બનારસ સુધી વિસ્તરેલી બનાસ ડેરીનું ટર્નઓવર માત્ર પાંચ જ વર્ષમાં રૂ. ૪૦૦૦ કરોડથી વધીને રૂ. ૫૦૦૦ કરોડે પહોંચ્યું છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદકોને વળતર-નફો આપતી આ ડેરીને કારણે પશુપાલકો કરોડપતિ થઈ રહ્યા છે.
બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શંકર ચૌધરીએ માત્ર દૂધ ઉત્પાદન જ નહીં ખેડૂતો, પશુપાલકો વધુ આવક મેળવી શકે એ ઉદ્દેશ્યથી પાંચ વર્ષમાં મધઉછેર, ગોબરથી CNG ઉત્પાદન, બટાટા પ્રોજેક્ટ જેવા અનેક નવા સાહસો શરૂ કર્યાં છે. આવા નાના સાહસોથી મોટી બચતો એકત્ર કરી ડેરી ચલાવવાનો ખર્ચ ઘટાડીને ૧૭ ટકાએ પહોંચ્યો છે. જેના કારણે આ વર્ષે ૪ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ૮૩ ટકા વળતર મળ્યું છે. પાંચ વર્ષમાં દૈનિક ૪૦ લાખ લીટર દૂધ એકત્રીકરણને ૭૩.૭૨ લાખ લીટરે પહોંચતાની સાથે જ બનાસ ડેરી ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી તરીકે પ્રસ્થાપિત થઈ છે.
માત્ર દૂધ મેળવવામાં જ નહીં, તેની સામે દૂધ ઉત્પાદકોને વળતર આપવામાં પણ આ ડેરીએ વિશ્વના તમામ દેશોને પાછળ છોડયા છે. બનાસ ડેરી દૂધ ઉત્પાદકોને કિલો ફેટદીઠ રૂ. ૩૯.૪૫ પૈસાનો ભાવ આપે છે. આટલો ભાવ બીજી કોઈ જ ડેરી આપતી નથી! અમેરિકામાં દૂધ ઉત્પાદકોને રૂ. ૨૮.૭૧ પૈસા, જર્મનીમાં રૂ. ૨૭.૩૦ પૈસા, ન્યૂ ઝીલેન્ડમાં રૂ. ૨૬.૩૩ પૈસા ભાવ ચૂકવાય છે. આથી પાંચ વર્ષ પહેલાં બનાસ ડેરીના પશુપાલકોને દર મહિને રૂ. ૨૮૭ કરોડ મળતા હતા જે વધીને રૂ. ૭૨૮ કરોડે પહોંચ્યા છે. જેથી બનાસકાંઠામાં અર્થતંત્ર ધબકતું રહ્યું છે.