ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે આકાશમાં ટ્રેન દોડતી હોય તેવો નજારો જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લાઇનબંધ રોશનીની હારમાળા એક સાથે ટ્રેનની જેમ પસાર થતી હોય તેમ જોવા મળતું હતું. આકાશમાં જોવા મળેલા આ દૃશ્યને અનેક લોકોએ મોબાઈલમાં કેદ કર્યું હતું. સોમવારે રાત્રિના સુમારે અચાનક રહસ્યમયી રોશનીની હારમાળા જોવા મળતાં લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. આકાશમાં પૂછડીયા તારાની જેમ આ રહસ્યમયી રોશનીના દૃશ્યો જોઈ લોકો યુએફઓ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે એલન મસ્કે હારબંધ સેટેલાઇટ અવકાશમાં તરતા મૂક્યા છે, તે બનાસકાંઠાના આકાશમાંથી નીચી ઊંચાઇએ પસાર થયા હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય શહેરોના આકાશમાં પણ આ પ્રકારના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.