ધાનેરા,થરાદઃ વાવના કોગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર તેમના વિવાદસ્પદ નિવેદનના કારણે ચાર્ચામાં રહે છે. ધાનેરામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સાકરતુલા કાર્યક્રમ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો. જે સંમેલનમાં વાવના ધારાસભ્યએ જૈન સમાજ વિરુદ્ધ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે બનાસકાંઠાના ઠાકોર સમાજને વાણિયાઓએ પછાત રાખ્યો છે. વડીલો પાસે મોટા પ્રમાણમાં જમીનો હતી. જોકે દુષ્કાળ પડયા તોય બહાર જવા ના દીધા.
વાણિયાઓએ કહ્યુ કે અમે છીએ ચિંતા ના કરો. જેમની પાસે જમીનો નહોતી તેઓ બહાર નીકળી ગયા, પરંતુ ગામમાં શેઠે ઠાકોરોને ઉધાર આપ્યા કર્યું. જ્યાં સુધી જમીન વેચાઈ નહીં ત્યાં સુધી આપ્યા કર્યું ને વતન ના છોડવા દીધું. જેમણે વતન છોડયું તે સુખી થઈ ગયા. બાકીના પછાત રહ્યા. ગેનીબહેનનો વીડિયો વાયરલ થયા પછી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જૈન સમુદાયમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
‘એમાં ખરાબ લાગે એવું શું?’
ગેનીબહેનનો વીડિયો ફરતો થયા પછી જૈન સમાજ રોષે ભરાતાં ગેનીબહેને જણાવ્યું હતું કે જૈન સમાજને ખરાબ લાગે તેવું મેં કંઈ કહ્યું નથી. મારો કહેવાનો મતલબ એમ હતો કે ગામમાં વેપાર કરતા વાણિયાઓએ દુષ્કાળ પડયા તોય અમારા ઠાકોર સમાજને ગામ બહાર ના જવું પડે તે ઉધાર આપ્યા કર્યું. ઠાકોર સમાજે વટ ખાતર વતન ના છોડયું. જેથી સમાજ બહાર નીકળી ના શક્યો. વિકાસથી વંચિત રહ્યો.