ડીસા: વિશ્વમાં વખણાતા બનાસકાંઠાના બટાકાની હવે ડીસાથી રશિયા નિકાસ થાય છે. બનાસકાંઠામાં બટાકાના પાક માટે માફક વાતાવરણ, ફુવારા પદ્ધતિના ઉપયોગ અને ખેડૂતોની મહેનતના કારણે દેશભરમાં હેક્ટર દીઠ બટાકાના ઉત્પાદનમાં ડીસા પ્રથમ છે. ડીસાના બટાકાની ચમક (શાઈનિંગ) ખૂબ વખણાય છે. જોકે છેલ્લા બે વર્ષથી બટાકાના ભાવ ગગડતાં ખેડૂત-વેપારીઓ નુકસાન ભોગવી રહ્યાં છે. ચાલુ વર્ષે મબલખ ઉત્પાદનનાં કારણે બટાકાનાં ભાવ તળિયે ગયા છે. તાજેતરમાં રશિયાથી કેટલાક વેપારીઓ બનાસકાંઠા આવ્યા અને ડીસાના બટાકાની ચમક જોઈને તેઓ સેમ્પલ અર્થે બટાકા રશિયા લઇ ગયા. ચમક, ટકાઉપણા અને સ્વાદના કારણે રશિયામાં ડીસાના બટાકાની માગ વધવા લાગી. બનાસકાંઠાના વેપારીઓ દ્વારા રશિયામાં બટાકાની નિકાસ શરૂ કરી દેવામાં આવી.
વેપારીઓનું માનવું છે કે માગ હજી વધશે તો ખેડૂતો અને વેપારીઓને સારા ભાવ મળશે અને નુક્સાનીમાંથી બહાર આવી શકાશે. હાલ સુધીમાં ડીસાથી મુન્દ્રા પોર્ટ થઇને આશરે ૫૦૦૦ કટ્ટા રશિયા એક્સપોર્ટ કરાયા છે.
માગમાં વધારાથી ભાવમાં પણ વધારો
ડીસાના બટાકાના વેપારી રમેશભાઈ ટાંક કહે છે કે, ભારતમાં અન્ય રાજયોમાં ડીસાના બટાકાની માગ ઘટતા અને બનાસકાંઠામાં પાકનું ઉત્પાદન વધતાં બટાકાના ભાવ મળતા નથી. જોકે અહીં પાકતા બટાકા વિદેશમાં મોકલવાનું શરૂ કરાયું છે. જેના કારણે ભાવ વધવાની શકયતા છે.
રશિયન વેપારીઓને ડીસાના બટાકા પસંદ
બટાકાના વેપારી અશોકભાઈ સોલંકી કહે છે કે, બનાસકાંઠાના બટાકાની ચમકના કારણે વિદેશમાં તેની માગ વધી અને બનાસકાંઠાનું નામ વિદેશમાં ગાજે છે. રશિયાનાં વેપારીઓ બનાસકાંઠાનાં સ્ટોરેજમાં હવે સારા બટાકાની શોધ ચલાવે છે. ડીસાના બટાકાની ચમક અને તેના સ્વાદના કારણે રશિયામાં માગ વધી છે.