પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પૂર અને વરસાદ બાદ વહીવટી તંત્રે અસરગ્રસ્ત ગામોની સ્થળ-સ્થિતિની તપાસ કરાવી આવા ગામોને નવેસરથી વસાવવા માટેની પ્રક્રિયાનો આરંભ કરાયો છે. જિલ્લામાં માટે ૨૮ ગામોને પસંદ કરવામાં આવ્યા છે. જિલ્લાનું વહીવટી તંત્ર આવા ગામોની પ્રાથમિક તબક્કે મુલાકાતો લઇને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવાના પગલાં લઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૫માં પૂર આવતાં જિલ્લાના વહીવટી તંત્રે અનેક ફરિયાદો રજૂઆતો અને કોર્ટ કેસોનો સામનો કર્યો હતો. ત્યારબાદ ફરી ૨૦૧૭માં પૂરનાં પાણીએ વિનાશ વેરીને ગામડામાં તારાજી સર્જી છે. કુદરતી હોનારતોમાં સહુથી વધુ અસરગ્રસ્ત થયેલા ગામોનો પ્રાથમિક અંદાજ મેળવી આવાં ગામોને નવેસરથી વસાવવા માટે કાર્યવાહી ચાલે છે.
પૂર હોનારતમાં ભૂતકાળનાં અનુભવોને ધ્યાને લઇ નદીકાંઠાના અને રકાબી જેવી ભૌગોલિક રચના ધરાવતાં ગામોને અલગ તારવવાનું આયોજન છે. હાલમાં જે ૨૮ ગામોની યાદી તૈયાર કરાઈ છે તેમાં થરાદ તાલુકાના-૧૧, ડીસા- ધાનેરા તાલુકાના-૧, વાવ તાલુકાના-૬, સુઇગામના-૩, લાખણીનાં-૪ અને કાંકરેજના-૨ ગામો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં ગામોની યાદી સત્તાવાર નથી. પ્રાથમિક સરવેમાં ગામલોકોની સંમતિ અને ભૌગોલિક સ્થિતિ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. જોકે, જે ગામ વધુ પ્રભાવિત છે તેવાં વિસ્તારોને પ્રાથમિકતાના ધોરણે અન્યત્ર વસાવવાં હાલ વિચારણાં કરાઈ છે. રાણાએ આપેલી વિગતો અનુસાર, ૧૦ ઓગસ્ટ સુધીમાં રૂ. ૧૦૫.૨૭ કરોડની સહાય થઇ છે.
ગામોની યાદી
• થરાદ તાલુકાના પાવડાસણ, ડુવા, ભોરડું, નાગલા, ડોડગામ, ખાનપુર, જાંણદી, જાંદલા, નાનીપાવડ, મોટીપાવડ, રાહ. • ધાનેરા તાલુકાનું સરાલ • વાવ તાલુકાના મોરીખા, નાળોદર, ધરાધરા, તીર્થગામ, માડકા, વાવડી. • સુઇગામ તાલુકાના કાણોઠી, કોરોટી, ભરડવા. • લાખણી તાલુકાના ધાણા, ધુણસોલ, જસરા, નાણી. • ડીસા તાલુકાનું વરણ • કાંકરેજ તાલુકાના ખારીયા, ટોટાણા.