વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સંકલ્પ અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગતિશીલ ગુજરાત યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૪૦ નવી સરકારી માધ્યમિક શાળાઓ જૂન ૨૦૧૬થી શરૂ કરવાની મંજૂરી આપી હતી. વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય પ્રદાન શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી રાજ્યની મંજૂર ૧૪૦ શાળાઓ પૈકી બનાસકાંઠા જિલ્લામાં ૩૫ નવી માધ્યમિક શાળાઓની મંજૂરી મળી છે. આમાંથી કેટલીક શાળાઓ જૂન મહિનાની શરૂઆતમાં શરૂ થઈ છે અને બાકીની શાળાઓ જૂન ૨૦૧૬થી શરૂ કરવાની જાહેરાત થઈ છે.
• વાહણામાં યુવક યુવતીને સલામતી દળમાં નોકરી મળતાં ખુશીઃ સરસ્વતી તાલુકાના વાહણા ગામના ઠાકોર પરિવારના ભુરાજી પારજી ઠાકોરની ભારતીય સૈન્યમાં અને દેવિકાબેન ચંદનજી સોલંકીની બીએસએફમાં પસંદગી થઈ છે. દેવિકા ગાંધીનગરમાં ત્રણ મહિનાથી તાલીમ લઈ રહી હતી અને ભુરાજી મહારાષ્ટ્રના હમદનગરમાં છ મહિનાથી ડ્યુટી પર હતા. આ બંને ગૌરવશાળી યુવક યુવતી સાતમી જૂને તેમના ડ્રેસમાં પોતાના વતન વાહણા આવી પહોંચ્યા ત્યારે ઠાકોર સેના દ્વારા ભાટસણ હાઇવેથી ગામના રામદેવપીરના મંદિર સુધી ડીજેના તાલે ફટાકડા ફોડી ફૂલહારથી બંનેનું સામૈયું કરવામાં આવ્યું હતું. ૬૦૦ ઘરની વસતી ધરાવતા આ ગામમાં પ્રથમવાર યુવક યુવતીને સલામતી દળમાં નોકરી મળી છે.