મહેસાણાઃ ચોરીના આરોપસર પકડાયેલા કાચા કામના પાટીદાર કેદી કેતન પટેલનું જેલમાં મૃત્યુ થવાના વિરોધમાં આઠમીએ મહેસાણા સજ્જડ બંધ રહ્યું હતું. આ ઘટનાના પગલે શહેરમાં પથ્થરમારો અને તોડફોડ પણ થતાં પોલીસે સ્ટેન્ડ ટુ ના આદેશ આપ્યા હતા. કોંગ્રેસ અને પાટીદારોએ આઠમીએ ઉત્તર ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. મહેસાણાની બજારોમાં મોટેભાગે સ્વયંભૂ બંધ પળાયો હતો. જોકે ઉશ્કેરાયેલા પાટીદાર યુવાનોના એક ટોળાંએ બપોરે કેટલીક ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. જ્યારે ટોળાંએ મહેસાણા પાલિકા ઓફિસે બારીના કાચ ફોડી નાંખ્યા હતાં. આ ઉપરાંત રાધનપુર રોડ પરની રેસ્ટોરાંમાં તોડફોડ કરીને હોટેલનું જમવાનું રોડ પર ફેંકી દીધું હતું. સુરક્ષાના કારણે એસઆરપીની બે ટુકડીઓ સહિત પોલીસનો ચાંપતો બંદોબસ્ત મહેસાણામાં ગોઠવાયો હતો. ત્રણ જિલ્લાની પોલીસ મહેસાણામાં બોલાવાઈ હતી.
સિવિલમાં પીએમ
સિવિલમાં મૃતકનું પોસ્ટમોટમ (પીએમ) કરવાનું હોઈને આઠમીએ સવારથી પાટીદારોનાં ટોળાં ઉમટ્યાં હતાં. જોકે તંત્ર દ્વારા ચોક્કસ રિપોર્ટ જાહેર ન કરાતાં મૃતકના પરિવારજનોના આગ્રહથી યુવાનના મૃતદેહનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનો નિર્દેશ અપાયો હતો. પાટીદારોના એડ્વોકેટ અને પરિવારે સૂચવેલા ડોક્ટર્સની અને બી જે મેડિકલના ડોક્ટર્સની પેનલ આ બીજું પોસ્ટમોર્ટમ કરશે. જિલ્લા પોલીસ અધિક્ષકે કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની જાહેરાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી પરિવારે પુત્રનો મૃતદેહ સ્વીકારવાની ના કહી હતી.
સરકારે ચારથી વધુ ભેગા નહીં થવા જાહેરનામું જાહેર કર્યું હોવા છતાં બનાવના સતત પાંચમા દિવસે ૧૦મીએ સિવિલમાં પાટીદારોનાં ટોળાં ઉમટયા હતાં. પોસ્ટમોર્ટમ રૂમની પાસે જ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિતના ૨૦૦ પાટીદારોએ મુંડન કરાવ્યું હતું. એક દલિત ઠાકોર યુવકે પણ મુંડન કરાવ્યું હતું. મુંડન કરાયેલાં વાળ પાટીદારોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મોકલ્યાં હતાં. ૧૦મીએ બપોરે પાટીદાર મહિલાઓ થાળી-વેલણ લઇને સિવિલમાં પહોંચી હતી. મૃતકનાં કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિકે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપી છે.