બનાસકાંઠા જિલ્લા પંચાયતના કોંગી સભ્યો ગેરલાયક ઠર્યાઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૧૩ની ચૂંટણીવખતે ભાજપમાં ભળીને કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડનાર અત્યારેના પંચાયત પ્રમુખ સહિતના કોંગ્રેસના ત્રણ બળવાખોર સભ્યોને ગુજરાત હાઈ કોર્ટે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવતો હુકમ ગત સપ્તાહે કર્યો છે. જસ્ટિસ જી. બી. શાહે કોંગ્રેસના કસૂરવાર સભ્યો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળની કાર્યવાહીને એક રીતે મંજૂરી આપી હતી. જોકે, આ હુકમ સાથે બળવાખોર સભ્યોને અપીલ કરવી હોવાથી હાઈ કોર્ટે તેનો હુકમ બે સપ્તાહ સુધી સ્થિગત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતની છેલ્લી ચૂંટણીમાં ૫૫ બેઠકો પૈકી ૨૯માં કોંગ્રેસ જ્યારે ૨૫ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો, જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કોંગ્રેસ તરફથી લક્ષ્મીબહેન કરેણને પ્રમુખ તરીકે અને સંજય ગોવાભાઈ રબારીને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢવા માટે મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પરંતુ અત્યારના પ્રમુખ રાજેન્દ્ર જોશી, કાનાજી વણઝારા અને દરિયાબહેન ઠાકોરે પક્ષના મેન્ડેટથી વિરુદ્ધ વર્તન કર્યું હતું. એટલું જ નહીં, રાજેન્દ્ર જોશીએ તો એ જ વખતે પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાઈ ભાજપ તરફથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદમાં ઝંપલાવ્યું હતું. જેમાં કોંગ્રેસના બળવાખોર સભ્યો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જોષી તરફી મતદાન કરતાં ભાજપને સત્તા મળી હતી.