મહેસાણા/વલસાડઃ કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ ૮મી માર્ચે સવારથી જ કેટલાક લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૫૬ જેટલા દર્દીઓને સારવાર આપી હતી જેમાંથી ગંભીર જણાતા ૭૦થી વધુ લોકોને કડી સિવિલમાં લઈ જવાયા હતા જ્યારે ૨૦ લોકોને ભાગ્યોદય હોસ્પિટલ લઈ જવાયા હતા. દવાખાનાઓમાં વારાફરતી ચાર લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
મહારાજ સામે માનવવધનો ગુનો નોંધાયો
શિવરાત્રીએ ધતુરોમિશ્રિત ભાંગ પીધા બાદ દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બે સગીર સહિત ૪ વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં. એ પછી ૧૦મી માર્ચે કડીના પોલીસ અધિકારી રાકેશ પટેલનું મોત પણ ભાંગથી થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જીવલેણ સાબિત થયેલી ભાંગ બનાવનારા શિવમંદિરના મહારાજ અમ્રતભારતી મગનભારતી વિરુદ્ધ કડી પોલીસે માનવવધ (કલમ ૩૦૪) અને પોઇઝન એક્ટ (કલમ ૩૦૮)હેઠળ ગુનો નોંધ્યો છે.
રાકેશ પટેલને ગાર્ડ ઓફ ઓનર
રાકેશ પટેલના મોતના સમાચારથી વલસાડ જિલ્લા પોલીસ બેડામાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કડીથી તેમનો મૃતદેહ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો અને જ્યાં વલસાડ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયો હતો. બાદમાં તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.