ગાંધીનગરઃ હિંમતનગર પાસેના શામળાજીસ્થિત ભગવાન બુદ્ધના તીર્થસ્થાન દેવની મોરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કામ સરકાર ભૂલી ગઇ હોય તેમ લાગે છે. દેવની મોરી સ્થળેથી એક દાબડામાં ભગવાન બુદ્ધનો દાંત મળ્યો હતો. આ સ્થળે બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ હતી તેનો સૌથી મોટો પૂરાવો છે. આ સ્થળે ગુજરાત અને વિશ્વનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. બુદ્ધ સર્કિટ અંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તજજ્ઞોની કાર્યવાહક સમિતિ રચાઇ છે. જેમાં વેન લામાં લોબઝંગ (સેક્રેટરી જનરલ, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન) અને ડો. હર્ષાકુમાર નવરત્ને (શ્રીલંકા, ડેપ્યુટી સેક્રેટરી જનરલ, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન) સભ્યપદે છે. આ સમિતિમાં સરકારના પાંચ અધિકારી અને એક ખાનગી આર્કિટેક્ટની નિયુક્તિ ઉદ્યોગ અને ખાણ વિભાગે કરી છે.
શું છે દેવની મોરી?
અમદાવાદથી ૧૨૦ કિ.મી. દૂર શામળાજી ખાતે ખોદકામ દરમિયાન ત્રીજી સદીનો સ્તુપ મળી આવ્યો હતો. સ્તુપમાંથી એક કાસ્કેટ-દાબડો મળ્યો હતો. જેમાં ભગવાન બુદ્ધના શરીરના ભાગ-દાંત મળી આવ્યો હતો, જે દાબડા પરના લખાણ પરથી નક્કી થયું હતું. વિશ્વમાં માત્ર પાંચ સ્થળે જ ભગવાન બુદ્ધના આવા શારીરિક ભાગ મળ્યા છે, તે પૈકીનું દેવની મોરી એક છે. આર.એન. મહેતાએ ૧૯૫૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉત્ખનન કર્યું ત્યારે આ દાંત મળી આવ્યો હતો.
ગુજરાતનાં પ્રાચીન કાપડ ઉદ્યોગની સાબિતી
કપાસ અને રેશમમાંથી બનેલું કાપડ દેવની મોરીના કાસ્કેટ-પથ્થરના દાબડામાંથી મળ્યું હતું છે. એ જમાનામાં કાંતવાના સાધનો હતા, સીવવાની સોય હતી. ૧,૭૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં કાપડ ઉદ્યોગ ધમધમતો હતો આ પરથી જણાય છે. ગુજરાતનો ૧,૭૦૦ વર્ષના ઈતિહાસનો આ પ્રથમ પુરાવો છે કે, જ્યાં કાપડ મળ્યું હોય. જે ગુજરાતમાં બનતું કાપડ વિશ્વમાં અનેક સ્થળે મોકલાતું હોવાનું પ્રસ્થાપિત કરે છે. અહીંથી કપડા પહેરેલાં હોય તેવા શિલ્પો મળ્યા છે.
ઝિંગ પિંગને ભેટ
ચીનના પ્રમુખ ઝિંગ પિંગ ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમદાવાદ આવ્યા ત્યારે તેમને ભગવાન બુદ્ધનો દાંત જેમાંથી મળી આવેલો ૩જી સદીના પથ્થરનાં કાસ્કેટની રેપ્લિકા ભેટ આપવામાં આવી હતી.
વર્લ્ડ ક્લાસ બુદ્ધ મંદિરનો પ્રોજેક્ટ
તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી-૨૦૧૩માં જાહેર કર્યું હતું કે, શામળાજી ખાતે વિશ્વ કક્ષાનું બુદ્ધનું ટેમ્પલ બનાવવામાં આવશે. ગ્લોબલ બુદ્ધિસ્ટ કોંગ્રેસમાં આ જાહેરાત થઇ હતી. હવે સરકાર બદલાતાં દેવની મોરી પણ ભલાઈ ગયું છે.
આંતરરાષ્ટ્રીય કરાર
આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન અને ગુજરાત સરકાર વચ્ચે ૧૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૫માં સમજૂતી કરાર થયા હતા કે, ગુજરાતમાં આવેલાં ગૌતમ બુદ્ધનાં સંસ્મરણોના અલભ્ય તીર્થ સ્થાનો અને દેવની મોરીને વિશ્વ સમક્ષ લઈ જવા માટે ટૂરિસ્ટ સર્કિટ બનાવવી. તેવો ઉલ્લેખ પણ ખાણ અને ખનીજ વિભાગના આદેશોમાં થયો છે.