ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પલીયડ ગામમાં બે દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં આધેડ જયંતીભાઈ રાવલનો તેમના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ દફનવિધિ પણ પૂરી કરી હતી. બે દિવસ બાદ ૨૧મી ઓગસ્ટે મૃતકના પુત્ર જીગરને શંકા ઉપજી કે કોઈએ તેના પિતાની હત્યા કરીને મૃતદેહ લટકાવી દીધો છે. શંકાને આધારે પોલીસે એફએસએલ બોલાવી ૨૧મી ઓગસ્ટે સ્મશાનમાં દફનાવેલો મૃતદેહ બહારકાઢી પેનલ ડોક્ટરથી પીએમ કરાવ્યું હતું. કોઝ ઓફ ડેથ હજી પેન્ડિંગ છે તેના રિપોર્ટ બાદ હત્યા કે આત્મહત્યા સંદર્ભે પોલીસ વધુ તપાસ શરૂ કરશે.
• ગલતેશ્વરમાં છ યુવાનો ડૂબી જતાં મોતઃ રક્ષાબંધને રજા હોવાથી રાસલોડ ગામના પાંચ પટેલ અને એક બ્રાહ્મણ યુવાન બપોરના સુમારે ગલતેશ્વર મહાદેવના દર્શન કરી પગથિયા ઉતરી નદીમાં નહાવા ગયા હતા. બે યુવાનો ડૂબવા લાગતાં બાકીના ચાર બચાવવા ગયા હતા. જેમાં છએના મૃત્યુ થયા હતા. મૃતકોમાં યશકુમાર રાજેશભાઇ પટેલ, જીગરભાઇ હસમુખભાઇ પટેલ, વિકાસભાઇ દિપકભાઇ પટેલ, અંકિતભાઇ હસમુખભાઇ પટેલ, જયેશભાઇ મંગળભાઇ પટેલ અને કેતનભાઇ કૃષ્ણકાન્ત ભટ્ટનો સમાવેશ થાય છે.
• લાલાવાડામાં બાળમંદિર અને હોસ્ટેલનું ખાતમુહૂર્તઃ બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત માતૃશ્રી આર વી ભટોળ અંગ્રેજી માધ્યમ સ્કૂલ, લાલાવાડામાં નવીન બાળમંદિર અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના પ્રમુખ પરશીભાઈ ફટોલ (પૂર્વ ચેરમેન, બનાસડેરી)ના હસ્તે ૧૭ ઓગસ્ટે ખાતમુહૂર્ત કરાયું હતું.
• થરા પાલિકામાં કોંગ્રેસનો વિજયઃ કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની ગત જુલાઇ માસમાં સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. આ ચૂટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોને પ્રજાએ સરખી બેઠકો ઉપર વિજયી બનાવ્યા હતા. જેથી ટાઇ પડી હતી. જેના એકમાસ બાદ પ્રમુખ પદ માટે મંગળવારે સવારે દિયોદર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં ચિઠ્ઠી દ્વારા વરણી કરતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને પ્રમુખ તરીકે વિજયી જાહેર કરાયા હતા. કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૧૦ જુલાઇના રોજ યોજાઇ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોના સરખા ૧૨-૧૨ સભ્યો ચૂંટાતા ટાઇ પડી હતી.