દિયોદર: કાંકરેજના થરામાં રહેતી સોનલ (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહેતી હતી. વર્ષ ર૦૧પમાં પાલનપુરમાં પોલીસ પેરેડમાં ટ્રેનિંગ હોવાથી ગ્રેજ્યુએટ થયેલી સોનલ પાલનપુરમાં એક મહિનો રોકાઇ હતી ત્યાં તેને દાંતીવાડા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને ટ્રેનિંગમાં ભાગ લેવા આવેલી અંકિતા (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઇ. સતત એક મહિના સુધી બન્ને યુવતી એકબીજાની સાથે રહી હતી. ટ્રેનિંગ પૂરી થયા પછી બંનેએ પોતપોતાના ઘરે જવાનું હોવાથી એકબીજાના કોન્ટેક્ટ નંબર લીધા હતા. પોતપોતાના ઘરેથી તેઓ નિયમિત ફોન પર વાત કરતી હતી. આ યુવતીઓ ૨૩મી જાન્યુઆરી, ર૦૧૭ના રોજ ઘરેથી એકબીજાને મળવા જવાનું કહીને નીકળી હતી. બંને આ દિવસે વકીલ પાસે ગઈ હતી અને બંનેને સાથે રહેવા દેવાય તે માટે હાઇ કોર્ટમાં પોલીસ રક્ષણની મદદ માગી હતી. થોડો સમય સાથે રહી બંને ઘરે ગઈ હતી. એ પછી બંનેના ઘરમાંથી સાથે રહેવા માટે ઇનકાર કરાતા બંનેએ બનાસકાંઠા જિલ્લા મહિલા હેલ્પ લાઇનને ફોન કર્યો હતો.
મહિલા હેલ્પ લાઇનની ટીમ દિયોદર પહોંચી હતી અને બંનેને ૨૪મી સપ્ટેમ્બરે નારી કેન્દ્રમાં લઇ જવાઈ છે. મહિલા હેલ્પ લાઇનની ટીમ દિયોદર પહોંચી ત્યારે પોતપોતાની દીકરીઓને પાછી મેળવવા માટે કુટુંબીજનો પોલીસ મથકે રડી પડયા હતા. કુટુંબીજનોએ જણાવ્યું કે ૮ મહિના પહેલાં તેમણે સાથે રહેવા માટેના મૈત્રીકરાર કર્યાં તેમની પણ તેમને જાણ નથી.