પાલનપુર: કોરોના કાળમાં ગાયક કલાકાર સાથે માસ્ક પહેર્યા વગર ઘોડે ચઢી ટોળું ભેગું કરનારા ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડયા તાજેતરમાં ફરી એકવાર ઘોડીએ ચઢ્યા અને Djના તાલે નાચ્યા હતા. આજુબાજુ ટોળું ભેગું કરીને તેમણે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનથી ભાજપની જ સરકારે અમલમાં મૂકેલી કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનો ભંગ કર્યો હતો. ડીસા તાલુકામાં પ્રજાના પૈસામાંથી બનેલા એક કિલોમીટરના રોડના લોકાર્પણ વખતે ધારાસભ્યએ આ નાટક કર્યું હતું. ગુજરાત સરકાર, પોલીસને ‘પહેલાંય શું બગાડ્યું તે હવે બગાડશો?’ એવો પડકાર ફેંકતા હોય તેવું તાજેતરના આ પ્રસંગેના વીડિયોમાં દૃશ્યમાન થાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો જોઈને અમદાવાદ, સુરત સહિત રાજ્યભરના સામાન્ય નાગરિકો કોરોનાના નામે ફોજદારી ગુનો, જેલ અને દંડ વસૂલનો ડર દેખાડતી પોલીસ ભાજપના ધારાસભ્યોના ખિસ્સામાં હોય તેવી ટીકા કરી રહ્યા છે.