ડીસા: ડેડોલ ગામમાં તાજેતરમાં રોડ, પાણીની ટાંકી, કમિટી હોલ સહિતના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્તનો જાહેર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડયા તથા ગાયિકા કિંજલ દવેએ ઘોડા પર સવારી કરીને વિશાળ સરઘસ યોજ્યું હતું. આ સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક તરફ કોરોના મહામારી વચ્ચે સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક પહેરવાનું જણાવે છે ત્યારે સત્તાધારી ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના છડેચોક ધજાગરા ઉડાડે છે. આ સરઘસ નીકળ્યું ત્યારે પોલીસ પણ મૂક તમાશો જોતી હતી અને સ્થાનિકોથી માંડીને જિલ્લા સત્તાવાળાઓએ પણ આ અંગે કોઈ જ ફરિયાદ ન કરી.
સામાન્ય લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરતી પોલીસ ભાજપના ધારાસભ્ય તેમજ સિંગર સામે કોઈ પણ કાર્યવાહી શા માટે નથી કરતી? તેવા પ્રશ્નો ઊઠી રહ્યાં છે.