ભાદરવી પૂનમના મેળામાં માનવ મહેરામણ

Wednesday 14th September 2016 07:43 EDT
 
 

અમદાવાદઃ અંબાજીમાં ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના ધાર્મિક માહોલ વચ્ચે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ભાદરવી પૂનમ મહામેળા સાથે જોડાયેલા લોકો અને અધિકારીઓ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ મેળાના ત્રીજા દિવસ સુધીમાં દર્શન કરનારા માઇભક્તોની સંખ્યા ૯,૫૧,૪૨૯ થઇ છે. ત્રીજા દિવસે મંદિરની ભેટપૂજાની આવક રૂ. ૭૨,૭૦,૬૯૦ સાથે ત્રણ દિવસની આવક રૂ. ૧,૭૩,૪૯,૮૮૨ થઇ હતી. ત્રીજા દિવસે ૩૯૨ ધજા ચડાવવા સાથે ત્રણ દિવસમાં મંદિરના સુવર્ણશિખર પર ૮૫૦ ધજા ચડાવવામાં આવી હતી. ગામેગામથી અંબાજી જતા પદયાત્રાળુઓનાં ઘોડાપૂર અંબાજીના માર્ગે આગળ વધી રહ્યા છે. મોટાભાગના પદયાત્રી સંઘો પાલનપુર, ખેરાળ-સતલાસણા, ખેડબ્રહ્મા-હડાદના માર્ગો પર આવી ગયા હતા અંબાજીધામ યાત્રાળુઓના અભૂતપૂર્વ ધસારાથી ઊભરાઇ રહ્યું છે.
ફેસબુક પર લાઇવ દર્શન
મા અંબાના ભક્તો વિશ્વના કોઇ પણ ખૂણેથી તેમનાં દર્શન કરી શકે તે માટે વિશિષ્ટ વ્યવસ્થા કરાઈ છે. આ સેવાના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળાના સાત દિવસ દરમિયાન ભક્તો મા અંબાની આરતીના દર્શન ફેસબુક પર લાઇવ કરી શકશે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર અંબાજી ટેમ્પલ ઓફિશિયલ પેજ તૈયાર કરાયું છે. જેમાં ભક્તો મહાઆરતીના લાઇવ દર્શન કરી શકશે. આ પેજ પર ભાદરવી પૂનમ દરમિયાન દર્શનના સમય, સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો પણ દર્શાવવામાં આવશે. પેજમાં આરતીના લાઇવ દર્શન ભાદરવી પૂનમ બાદ પણ જારી રખાય તેવી સંભાવના છે.
આ ઉપરાંત યાત્રાળુઓ માટે વોટ્સ એપમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં કોઇ યાત્રાળુને કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો તે વોટ્સએપ કરશે તો તેને માર્ગદર્શન મળશે. આ વોટ્સએપ નંબર અંબાજીના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસના હસ્તક રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter