અમદાવાદઃ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની સમાપ્તિ થઇ છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજે ૨૯.૨૪ લાખ યાત્રિકોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ચાચર ચોક ભક્તોના ભાવથી ઉભરાઇ ગયો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન મા અંબાના દર્શન કરીને અનેક ભક્તો હર્ષના આંસુ પણ રોકી શક્યા નહોતા.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 'ભાદરવી પૂનમના મેળા દરમિયાન ૨૫ સપ્ટેમ્બરે બપોરે ૪-૩૦ સુધી ૨૫,૬૪,૭૫૦ યાત્રાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી ગામમાં યાત્રાળુઓનો ટ્રાફિક જોતાં રાત્રિના ૧-૩૦ સુધી બીજા ૬૦ હજાર જેટલા દર્શનનો લાભ લેશે. આમ, મેળામાં કુલ યાત્રિકો ૨૬,૨૪,૭૫૦ થશે. આ વર્ષે મેળાના પ્રથમ બે દિવસ એટલે કે ૧૭-૧૮ સપ્ટેમ્બરના ૩ લાખ યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.