અંબાજી: જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું મૂકવાની જાહેરાત સાથે દેવસ્થાને જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝીંગ સહિતની સરકારી ગાઇડલાઇન સાથે મંદિર ૧૨મીએ ખુલ્લું મુકાશે. જેમાં ભક્તોને ટોકન આપી મંદિરમાં પ્રવેશ અપાશે. કોરોના સંક્રમણનો ભય હજી પણ હોવાથી શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તકેદારીના પગલાં સાથે મંદિર ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવાયો છે.
દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. એ મુજબ દર્શન કરવા આવનાર માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ કે અંબિકા ભોજનાલયમાં અપાતા ભોજન-પ્રસાદ પણ ભક્તોને નહીં અપાય. આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં અપાય. આ ઉપરાંત આરતી દરમિયાન માઈ ભક્તોને પ્રવેશ નહીં અપાય. મંદિરના ગર્ભગૃહમાં ૨૦ દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દરવાજા બંધ કરીને એક માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે.
મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખાં, પર્સ, બેલ્ટ ઇત્યાદિ વસ્તુ થેલીમાં પેક કરીને લગેજ રૂમમાં આપવાની રહેશે. આવનાર ભક્તની શક્તિદ્વાર પાસે તૈનાત મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.
ખેડબ્રહ્મા મંદિરે ભક્તો ઉમટ્યા
ખેડબ્રહ્માના પ્રસિદ્ધ અંબાજી મંદિરને સેનિટાઈઝ કર્યા બાદ આઠમીએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને સેનેટાઈઝરના ઉપયોગ સાથે માસ્ક પહરેલા ભક્તોએ લાંબા સમય બાદ માતાજીના દર્શન કર્યાં હતાં. અહીં સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તોને દર્શન કરવા દેવાયા છે.
ઉમિયા મંદિરમાં સવારે ૭થી સાંજે ૬ સુધી દર્શન
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરના દ્વાર સોમવારથી ભક્તોને દર્શન માટે ખુલ્લા મુકાયા છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મંદિરમાં પ્રવેશ પહેલા દરેક ભક્તના હાથ સાબુથી ધોયા બાદ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ મોંઢે માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સની જાળવણી સાથે પ્રવેશ અપાયો હતો. અઢી મહિના બાદ માતાજીના મંદિર ખૂલતા હોઇ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાઇનમાં છાંયડો રહે તે માટે મંડપની વ્યવસ્થા કરાઇ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તોનું શરણાઈના સૂર સાથે સ્વાગત કરાયું હતું. માતાજીના મંદિરના શિખરે નવી ધજા ચડાવી હતી. આ સમયે સમગ્ર મંદિર પરિસર મા ઉમિયાના જયજયકારથી ગૂંજી ઊઠયું હતું.
બહુચરાજી - શંખલપુરમાં ૧૫મી જૂનથી દર્શન
યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાનું મંદિર અને શંખલપુર ગામમાં આવેલું બહુચર માતાજીનું ૨૫૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક ૧૫મી જૂનને સોમવારથી દર્શન માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય કરાયો છે. જે બાદ ભક્તો મા બહુચરનાં દર્શન કરી શકશે.
શંખેશ્વર જિનાલયમાં ૯મી જૂનથી દર્શન
શંખેશ્વર મુખ્ય જિનાલયને આઠમી જૂને સેનેટાઇઝ કર્યા બાદ ૯મી જૂને જિનાલયમાં પ્રથમ દિવસે માત્ર સ્થાનિક લોકોને પ્રવેશ મળશે અને સ્થાનિક ભાવિકો દર્શન કરી શકશે. તેવું જાહેર કરાયું હતું. ૧૦ જૂનથી સ્થાનિક અને ગુજરાતના તમામ યાત્રિકોને દર્શન કરવાની છૂટ મળી હતી. ૩૦ દિવસ બાદ ગુજરાત બહારના શ્રાવકોને દર્શન કરાવાશે. દેરાસર સવારે ૭ વાગે ખૂલશે સાંજે ૪ વાગ્યા સુધી જ દર્શન થશે. એક જ ગેટથી એન્ટ્રી સાથે આઈકાર્ડ, માસ્ક અને સેનેટાઇઝ ટનલમાંથી પસાર થઈ થર્મલ ઘન ટેસ્ટ કરાવ્યા પછી દેરાસર બહાર મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાનું રહેશે. માત્ર ૧૦-૧૦ યાત્રિકોને કતારબંધ સોશિયલ ડિસ્ટન્સિંગથી દેરાસરમાં લઇ જવાશે અને અંદર ૪ યાત્રિકો દર્શન કરશે. દર્શન બાદ તરત જ બહાર નીકળી મંડપમાં પોતાની જગ્યાએ બેસવાનું રહેશે. સાંજે ૭ વાગે આરતી કરાશે. સાંજની ભક્તિ ભાવના બંધ રહેશે. યાત્રિકોને સવારથી સાંજ સુધી જ ધર્મશાળામાં રહેવાનું રહેશે. રાત્રીરોકાણ કરાશે નહીં. પૂ.સાધુ, સાધ્વીજી ભગવંતો ૪-૪ના સમૂહમાં જ દર્શન કરવા જઈ શકશે અને અંદર ભક્તિ આરાધના કરવા બેસવા દેવાશે નહીં.
વરાણા ખોડલધામ બંધ રાખવાનો નિર્ણય
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ આઇ શ્રી ખોડિયાર માતાજી મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા પધારતા હોય છે. મંદિરમાં કામ કરતાં સફાઈ કામદારો કર્મચારીઓ અને દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ પરથી તેથી કોરોના સંક્રમણનો ભય ટાળવા માટે હાલમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
સૂર્યમંદિર રાણકી વાવ ખોલવા મંજૂરી નહીં
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ હેઠળ આવેલા ગુજરાતના ૭૭ સહિત દેશભરના ૮૨૦ પ્રાચીન સ્મારકોને ૮મી જૂનથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ એવા સ્મારકો છે જે ધાર્મિક અથવા તો પૂજા સ્થળ છે. જોકે, વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકી વાવ, મોઢેરાના સૂર્યમંદિર સહિતના ઐતિહાસિક સ્મારકો હજુ બંધ જ રહેશે. જે ખોલવા માટે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. તેમ પુરાતત્ત્વ વિભાગે ૮મી જૂને જણાવ્યું હતું.