મોડાસાઃ અરવલ્લિ જિલ્લામાં એક અનોખું મંદિર છે. અહિ મંદિરમાં મૂર્તિને બદલે શીલાનું પૂજન થાય છે. મોડાસા પંથકના બોલુંદરા ગામ પાસે ભાટકોટા રોડ નજીક આવેલું ડુંગરેશી બાવજી તરીકે ઓળખાતું આ મંદિરનો ઈતિહાસ રસપ્રદ છે. કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં અરવલ્લિની ગિરિમાળાના ડુંગર પર એક શીલા પડી હતી. ગામની એક મહિલા રોજ ડુંગર ચડીને એ શીલાની પૂજા કરવા જતી હતી. એક દિવસ પૂજા કરવાનો તેનો નિત્યક્રમ તૂટી ગયો. વૃદ્ધાવસ્થાને લીધે ડુંગર ચડવાનું પણ શક્ય નહોતું એટલે એક દિવસ તેના આરાધ્યદેવને તેણે પ્રાર્થના કરી કે, ‘હે ડુંગરેશી બાવજી, તમારું સત હોય અને મારી ભક્તિ સાચી હોય તો કાલે નીચે આવી જજો.’
વૃદ્ધાની આ અરજ સાંભળી હોય તેમ બીજા જ દિવસે ચમત્કાર થયો અને ડુંગર પરની શીલા તળેટીમાં આવીને અટકી ગઈ! એ દિવસે સવારે જાગીને વૃદ્ધાએ શીલાને તળેટીમાં જોઈ અને ભાવવિભોર બનીને જય જયકાર કર્યો. આમ આખા ગામને આ વાતની જાણ થતાં સૌ ડુંગરેશી બાવજીનું પૂજન કરવા લાગ્યા.
આમ, ત્યારથી આ પરંપરા સતત ચાલી રહી છે, સમય જતાં ગામલોકોએ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું અને એમાં શીલાનું સ્થાપન કરી તેની પૂજા કરે છે. ભક્તોના કહેવા મુજબ મંદિરમાં ડુંગરેશી બાવજીની પૂજા કરવાથી તમામ દુઃખ દુર થાય છે.