પોશીનાઃ દાંતિયાના જંગલમાં મધ્ય પ્રદેશના મજૂર પરિવારો લોકડાઉનના પગલે ફસાયા હોવાના અહેવાલ ૧૭મી મેએ હતા. એક માસ અગાઉ રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર મજૂરી માટે પોશીના વિસ્તારમાં મધ્ય પ્રદેશના છતરપુર વિસ્તારમાંથી મજૂર પરિવારો લઈને આવ્યો હતો. લોકડાઉન થતાં આ ગરીબ મજૂરોને નિ:સહાય પરિસ્થિતિમાં છોડી ભાગી ગયો હતો. મજૂરો દેલવાડા વિસ્તારમાં દાંતિયા પાસે રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. છે. સ્ત્રી પુરુષ અને નાના બાળકો સહિત કુલ ૩૧ વ્યક્તિઓ ભૂખ્યા-તરસ્યા છે તેવી જાણ દેલવાડા સરપંચ દ્વારા તંત્રને કરાઇ હતી. ત્યારબાદ પોશીના મામલતદારે સ્થળ પર જઈ તપાસ કરી હતી. તમામ લોકોની પૂછપરછ કરાઈ હતી અને તેઓની પાસે ખાવા-પીવાની કોઈ ચીજવસ્તુ બચી ન હતી અને પૈસા પણ ન હતા. તેથી ગામલોકો અને સ્થાનિક તંત્રની મદદથી તેઓને ખાદ્યસામગ્રી અને જીવન જરૂરિયાતની ચીજો અપાઈ હતી. લોકડાઉન ખૂલે નહીં ત્યાં સુધી તેઓની વ્યવસ્થાની સાંત્વના પણ અપાઈ હતી.