સુઇગામ: બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક સુઇગામ તાલુકાના મમાણા ગામમાં સૌ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી રહે છે. ગામમાં પહોળા અને પાકા રસ્તાઓ છે. પાણી માટે સારી વ્યવસ્થા છે. ગામમાં ચારે બાજુ વૃક્ષો છે. શિવમંદિર, મામણેચી માતાજી, ફૂલબાઈ અને ચાળકનેચી માતાજીના મંદિરોથી રળિયામણું લાગતું આ ગામનું તળાવ અને પંચાયતઘર જાણે કોઈ મોર્ડન સિટીમાં આવ્યા હોય તેવું છે. ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મમાણામાં ગઢવી, રબારી, પ્રજાપતિ, ઠાકોર, દલિત, સુથાર, લુહાર, સાધુ વગેરે અલગ અલગ કોમના લોકો સંપીને રહે છે. નવાઈની વાત તો એ છે કે આજદિન સુધી ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્યોની ચૂંટણી થઈ નથી. ચૂંટણી અંગે જાહેરનામું પડે કે ગામના તમામ કોમના લોકો ભેગા મળી સ્વયંભૂ સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરે છે.
ગામના જાગીરદાર ગણાતા ગઢવી પરિવારને જ ગ્રામજનો સરપંચ તરીકે બિનહરીફ ચૂંટે છે. ગામને વિકસિત કરવા સરપંચ અને સભ્યો સતત પ્રયત્નશીલ રહે છ. ગામમાં ગુટખા, પાન બીડી કે તમાકુનું વેચાણ થતું નથી. ઉપરાંત દારૂ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ છે. ગામ ચુસ્ત રીતે વ્યસનમુક્ત છે. રસ્તાઓ પર ક્યાંય કચરો, પ્લાસ્ટિક જોવા ન મળે તે માટે ગ્રામજનો સ્વેચ્છાએ રસ્તાઓની સફાઈ કરે છે.