અમદાવાદઃ મહેસાણા જિલ્લાના હોમગાર્ડ ટ્રેનીંગ સેન્ટરમાં એક મહંતને પોલીસ અધિકારીની જેમ જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ અંગેની એક વીડિયો ક્લિપ ફરતી થતાં હોમગાર્ડ ડીજીપીએ હોમગાર્ડના અધિકારી અને જવાનો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. મહેસાણા જિલ્લાના વડનગર પાસે આવેલા સુંઢિયા હોમગાર્ડના ટ્રેનીંગ સેન્ટરમાં એક મહંતનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ મનાતા પોલીસ ફોર્સના હોમગાર્ડના અધિકારીઓ અને જવાનોએ મહંતની ઇનોવા કાર આવતાં જ ઢોલનગારા વગાડીને પ્રવેશ કરાવ્યો હતો. એટલું જ નહીં, મહંતની કારનો દરવાજો પણ હોમગાર્ડ યુનિટના એક ઉચ્ચ અધિકારીએ ખોલ્યો હતો. જે બાદ મહંતના હોમગાર્ડના અધિકારીઓએ ચરણ સ્પર્શ કર્યા હતા. બાદમાં મહંત એક બાજોઠ પર ઉભા રહ્યા હતા અને પછી ત્યાં ઉપસ્થિત તમામ હોમગાર્ડ અધિકારીઓએ તેમજ જવાનોએ રાઇફલ વડે મહંતને ઉચ્ચ પોલીસ અધિકારીની જેમ જ સલામી આપી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા તેમજ પોલીસના જુદા જુદા વ્હોટ્સએપના ગૃપોમાં વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. વીડિયો અંગે પોલીસ વિભાગના કેટલાંક ઉચ્ચ અધિકારીઓએ નારાજગી વ્યકત કરી હતી. આ વીડિયો ક્લિપના આધારે હોમગાર્ડના વડા નિરજા ગોતરૂએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા છે.