મહેસાણા: મહેસાણા-અમદાવાદ હાઈવે પર છઠ્ઠીએ રાત્રે સ્ટેટ ટ્રાન્સપોર્ટની (એસટી) બસને હાઈજેક કરીને લૂંટારુઓ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયાના સોના-ડાયમંડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઉનાવાથી બસમાં બેઠેલા લૂંટારુઓએ બંદૂકની અણીએ પાલનપુર-અમદાવાદ રૂટની બસને થોભાવી સોના અને ડાયમંડ ભરેલા થેલા ખેંચી લીધા અને પળવારમાં ભાગી ગયા હતા. લૂંટ અંગે જાણ થતાં મહેસાણા જિલ્લામાં પોલીસે નાકાબંદી કરીને એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓએ લૂંટારુઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં હતા.
એસટી બસમાં વસંત અંબાલાલ, જયંતી સોમા અને એસ. પ્રવીણકુમાર નામની ત્રણ આંગડિયા પેઢીનાં કર્મચારીઓ સોનું તેમજ હીરા ભરેલાં થેલા લઈને અમદાવાદ જતા હતા. તે દરમિયાન મુસાફરોનાં સ્વાંગમાં ૯ જેટલાં લૂંટારુઓ ઉનાવાથી બસમાં બેઠાં અને પછી ડ્રાઈવરના લમણે અને અન્ય મુસાફરો તરફ બંદૂક તાકીને સીટમાં નીચે તરફ ઝૂકી જવા કહ્યું હતું. બસની લાઈટો બંધ કરાવી આંગડિયા કર્મીઓ પાસે રહેલા થેલા ખેંચીને લૂટારુઓ ફરાર થઈ ગયા હતા.
એસ. પ્રવીણકુમાર નામની આંગડિયા પેઢીનાં કર્મી નિકુંજ પારેખનાં જણાવ્યા અનુસાર ત્રણેય થેલામાં અંદાજે રૂ. ૮૦થી ૯૦ લાખનાં સોના અને હીરાનાં પેકેટ હોવાની શક્યતા છે. ત્રણેય આંગડિયા પેઢીનાં કર્મચારીઓ પાલનપુરથી બસમાં બેઠા હતા. તેથી લૂંટારુઓએ આંગડિયા પેઢીનાં કર્મચારીઓની રેકી કર્યા બાદ લૂંટ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લે જાણવા મળ્યા મુજબ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી છે. જયારે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી એસયુવી કાર ખેરાલુથી મળી આવી છે.
આ ઉપરાંત એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.