મહેસાણાઃ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનની તાજેતરમાં વરણી કરાયા પછી અગાઉના ચેરમેન પ્રહલાદભાઈ પટેલે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપતાં તેમનાં ૧૮ સમર્થકોએ રાજીનામાં ધરી દીધાં છે. જિલ્લા પંચાયતના ૪ અને કડી તાલુકાના ૧૪ સહિત કુલ ૧૮ અગ્રણીઓએ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામાં આપી દીધાં છે. પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના દબાણથી પોતાને હટાવી કડી તાલુકાને અન્યાય કર્યાનું ગણાવી કારોબારી સમિતિના પૂર્વ ચેરમેને રાજીનામું આપ્યું હતું. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રહલાદભાઈ પટેલને દૂર કરી હર્ષદભાઈ પટેલને બેસાડયા બાદ કાર્યકર્તાઓ નારાજ થયા છે. આ અંગે પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ પોતાના અંગત ડેલિગેટને ચેરમેન તરીકે બેસાડવા માગતા હોવાની જિલ્લા કોંગ્રેસમાં ચર્ચા હતી.