મહેસાણાઃ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી બાદ પણ આંતરિક વિખવાદમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે સોમવારે મળેલી સાધારણ સભામાં પાલિકાની તમામ કમિટીઓ ઉપર પોતાનો કબજો પરત મેળવ્યો છે. એક સમયે કોંગ્રેસનાં પ્રમુખ પદનાં સત્તાવાર ઉમેદવાર સોનલબહેન પટેલ બળવાખોરીને પગલે હાર્યા હતા અને કોંગ્રેસે તેમને કારોબારી સમિતિનાં ચેરમેન પદે નિયુકિત આપી છે. જેમણે પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો હતો.
મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૨૯ નગરસેવકો ચૂંટાયા હતા. જોકે કોંગ્રેસના જ બળવાખોરોના જૂથમાંથી ૫ નગરસેવકોએ અલગ મોરચો માંડ્યો હતો અને તેમણે ભાજપના સથવારે નગરપાલિકા પર કબજો જમાવ્યો હતો. અલબત્ત, પાંચ પૈકી ત્રણ સભ્યોને મનાવી લેવામાં કોંગ્રેસને સફળતા મળી છે. કોંગ્રેસના બે સભ્યો સિવાયના તમામ સદસ્ય સ્વગૃહે પરત ફર્યા છે. ત્યારબાદ, સોમવારે પ્રથમ સાધારણ સભા મળી હતી. આ સભામાં કોંગેસે કરેલી આગોતરી રણનીતિ મુજબ પાલિકામાં પુનઃ સત્તા પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસના સભ્યો એક જૂથ થતાં આમ છિનવાયેલી સત્તા પાછી એક વાર કોંગ્રેસના હાથમાં આવી છે. પ્રદેશ કોંગ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભાજપે મહેસાણા નગરપાલિકામાં તમામ પ્રકારના કાવાદાવા કર્યા હતા, જોકે નગરસેવકોએ ફરી કોંગ્રેસમાં વિશ્વાસ મૂકતાં સત્તા હાંસલ કરી છે.