મહેસાણાઃ તાલુકાના લીંચ ગામે તરુણો અને યુવાનોમાં પ્રેમસંબંધોમાં આપઘાત અને ઘરેથી ભાગી જવાની વધતી જતી ઘટનાઓ પર બ્રેક લગાવવા માટે આ જમાનામાં આકરો ગણાય એવો નિર્ણય લેવાયો છે. ગામમાં મળેલી ગ્રામસભામાં ધોરણ-૧૦, ૧૧ સુધી ભણતા ૧૮ વર્ષની નીચેના યુવક-યુવતીઓ ઉપર મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે પ્રેમસંબંધની જાણ થતાં જ ગામના આગેવાન કે પછી સંબંધકર્તા પરિવારને જાણ કરવા પણ સૂચના અપાઇ હતી. મહેસાણાથી ૧૫ કિલોમીટર દૂર આવેલા લીંચ ગામમાં છેલ્લા એક વર્ષથી યુવક-યુવતી ભાગી જવાની તેમજ આપઘાતની ઘટનાઓ ગામ માટે પડકારરૂપ બની હતી. આ સંજોગોમાં તાજેતરમાં એક જ કુટુંબના યુવક-યુવતીએ પ્રેમસંબંધોનો જીવતા સળગીને અંત લાવવાની હ્રદયદ્વાવક ઘટનાએ ગામજનોને હચમચાવી મૂક્યા હતા. આવી ઘટનાઓ અટકાવવાના નિશ્ચય સાથે ગામના સરપંચ અંજુબેન પટેલ, સામાજિક આગેવાન મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગામના ખોડિયાર માતાના મંદિર સંકુલમાં ગ્રામજનો ભેગા થયા હતા. જ્યાં જરૂરી ચર્ચાને અંતે ગામના ધોરણ-૧૦, ૧૧ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે ૧૮ વર્ષથી નીચેના યુવક- યુવતીઓ ઉપર મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે ગામમાં અંદરો અંદરના પ્રેમસંબંધોની જાણ થતાં જ તેમના પરિવાર કે ગામના આગેવાનોનું ધ્યાન દોરો જેથી આપઘાત જેવી ઘટનાઓ ના બને અને ખોટી અફવાઓથી દૂર રહેવા ખાસ સૂચના અપાઇ હતી.
આ અંગે ગામનાં સરપંચ અંજુબેન પટેલે કહ્યું કે, ૧૮ વર્ષથી નીચેના યુવક- યુવતીઓ પર મોબાઇલ રાખવા પ્રતિબંધ મુકયો છે અને આ નિર્ણયને ગ્રામજનોએ બંને હાથ ઉંચા કરી સમર્થન આપ્યું છે. યુવક-યુવતી વચ્ચે અંદરો અંદર સંબંધો ધ્યાને આવતાં જ જો પરિવાર કે આગેવાનો દ્વારા કાઉન્સેલિંગ કરાય તો અઘટીત ઘટનાઓ બનતી અટકાવી શકાય. તાજેતરમાં ગામના યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની અફવા ઊડી હતી. આખા ગામમાં આ બાબતે ચર્ચા હતી. જ્યારે તેમના ઘરે ગઇ ત્યારે યુવતી સાસરીમાં હોવાનું ખુલ્યું હતું. આવી અફવાથી યુવક-યુવતીનું જીવન બરબાદ થઇ શકે છે. બદનામીને કારણે ક્યાંક તેમને કંટાળી આપઘાત કરવો પડે કે પછી તેમના લગ્ન તૂટી જાય. આવું અટકે તે માટે આ નિર્ણય લેવાયો છે.