અમદાવાદઃ મહેસાણાના આખજ ગામના અને છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ૩૯ વર્ષના સંજય ગોવિંદભાઈ પટેલની અમેરિકામાં તેના અશ્વેત મિત્ર દ્વારા જ હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. યુએસમાં ૨૦ દિવસમાં ગુજરાતીની હત્યાનો આ બીજો બનાવ છે.
સંજય પટેલ અમેરિકાના હ્યુસ્ટનમાં ફાઇવ સ્ટાર વાઈન એન્ડ લિકરશોપ ધરાવતા હતા. સંજયભાઈનું ૧૩મી ઓક્ટોબરની આસપાસ અપહરણ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. પોલીસ સંજયભાઈની તપાસ કરી રહી હતી તે દરમિયાન સંજયભાઈની દુકાનમાં વર્ષોથી ગ્રાહક તરીકે આવતા અને તેમના અશ્વેત મિત્રના આપઘાતની ઘટના બની હતી. પોલીસે આ અશ્વેતના મોબાઈલની ચકાસણી કરી ત્યારે સંજયભાઈની હત્યા કરાઈ હોવાના પિક્ચર્સ અને વીડિયો મોબાઈલમાંથી પોલીસને મળી આવ્યા હતા. જોકે સંજયભાઈની હજી લાશ મળી નથી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.